અમદાવાદ : ‘લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે’ આ કહેવત આજ પણ સાર્થક છે. અમદાવાદમાં સસ્તા વાહનો આપવાની લાલચ આપીને મહિલાઓ સાથે મોટા પાયે છેતરપિંડી આચરનાર એક ઠગની શાહીબાગ પોલીસે ધરપકડ કરી છે. આરોપીની ઓળખ અંકિત ઉર્ફે મનીષ શાહ તરીકે થઈ છે. આ ઠગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોને છેતરતો હતો. શાહીબાગ પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ આરંભી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં અભિષેક કૉમ્પલેક્ષમાં ન્યુ વર્ધમાન બ્યુટી પાર્લર ચલાવતા મધુબહેન જૈને ગત 21 સપ્ટેમ્બરના ફરિયાદ આપી હતી. ફરિયાદમાં મધુબહેને જણાવ્યું છે કે, તેમના પાર્લરમાં સફાઈ કામ કરતા ગૌરીબહેન પાસેથી એક્ટિવા માટેની ભારત સરકારની સ્કીમની ગત 27 ઑગસ્ટના રોજ જાણકારી મળી હતી. રૂપિયા 7 હજારમાં મહિલાઓ માટે એક્ટિવાની સરકાર સ્કીમ હોવાની માહિતી મળતાની સાથે જ મધુબહેને મનીષ શાહનો મોબાઈલ નંબર મેળવી સંપર્ક કર્યો હતો. મનીષ શાહે 50 વર્ષીય મધુબહેનના મોબાઈલ ફોન પર સરકારની જુદીજુદી સ્કીમના ફોટા વૉટ્સએપ થકી મોકલી આપ્યા હતા.
મધુબહેને તેમના બ્યુટી પાર્લર અને ઘરે કામ કરતી મહિલા/યુવતીઓ સહિત કુલ 15 લોકોના ઓળખપત્રો મનીષ શાહને ફોન પર મોકલી આપ્યા હતા. ત્યારબાદ મધુબહેને મનીષ શાહે મોકલેલો ક્યુઆર કૉડ સ્કેન કરી 33 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. 28 ઑગસ્ટના રોજ તમારૂં રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તમને સાત દિવસમાં એક્ટિવા ટુ વ્હીલરની ડિલીવરી મળી જશે તેમ ફોન પર મનીષે કહેતા મધુબહેન વિશ્વાસમાં આવી ગયા હતા. ગત 16 સપ્ટેમ્બરના રોજ મનીષે ફોન કરીને એક્ટિવા લોડિંગ પેટે રૂપિયા 5250 ટ્રાન્સફર કરાવ્યા હતા. એ પછી મનીષ એક્ટિવાની ડિલીવરી આપવા અંગે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.શાહીબાગ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ અંગેની માહિતી મેળવવા માટે સઘન પૂછપરછ શરૂ કરી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરીને છેતરપિંડીના નાણા કોના એકાઉન્ટમાં ગયા હતા તેની તપાસ આરંભી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, આ છેતરપિંડીના નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ. આ કિસ્સો ફરી એકવાર સાબિત કરે છે કે, સોશિયલ મીડિયા પર અત્યંત સસ્તી વસ્તુઓની લાલચમાં આવવું જોખમી બની શકે છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, આવી અવાસ્તવિક જાહેરાતોથી દૂર રહેવું અને કોઈપણ વ્યક્તિને એડવાન્સ પેમેન્ટ આપતા પહેલા તેની ખરાઈ કરવી જરૂરી છે.


