અમદાવાદ : આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી અને અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. ગુજરાત સરકારની કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે પશુપાલકો મનપા કે નગરપાલિકા ઢોરવાડામાં નિ:શુલ્ક પશુ રાખી શકશે, રખડતા ઢોર માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ સરકાર ભોગવશે, ઢોરની વ્યવસ્થા માટે રૂ. 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
તાજેતરમાં જ રખડતા ઢોરના કારણે વડોદરામાં એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ મુદ્દે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં રખડતા ઢોર અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પશુપાલકો રસ્તા પર ઢોરોને મૂકવાના બદલે ઢોરવાડામાં પશુઓને મૂકી શકશે. સમગ્ર ખર્ચ જેતે ખર્ચ કોર્પોરેશન ઉઠાવશે.
આ ઉપરાંત પશુઓને શેડ ભોજન સહિતની સુવિધાઓ અપાશે. 8 મહાનગર પાલિકા અને 56 નગર પાલિકામાં પશુપાલકો ઢોરોને ઢોરવાડામાં મૂકી શકશે. ટ્રાન્પોર્ટેશનનો જે ખર્ચ થશે તે જે તે કોર્પોરેશન ચુકવશે. ઢોરવાડામાં પશુઓને પુરતી સગવડ અપાશે.