અમદાવાદના : શહેરના નારણપુરા વિસ્તારમાં ગુરુવારે દિવસે ધોળે દિવસે ફિલ્મી ઢબે હુમલો થતા ચકચાર મચી ગઈ છે. વૈવાહિક વિવાદ અને જૂની અદાવતમાં એક 32 વર્ષીય યુવકની આંખમાં મરચાંનો ભૂકો નાખી, પાંચ શખ્સોએ ભેગા મળીને જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે ઘાટલોડિયા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરામાં આશીર્વાદ એપાર્ટમેન્ટમાં અજય પઢિયાર નામનો યુવક મૈત્રી કરાર કરીને રહેતી મહિલા અને તેના માતા-પિતા સહિતના પરિવાર સાથે રહે છે. મહિલાના લગ્ન થઈ ચૂક્યા છે તેનો પતિ ઘી-કાંટા ખાતે રહે છે. મહિલાને તેના પતિ સાથે મનમેળ ન હોવાથી મૈત્રી કરાર કરી અજય સાથે છેલ્લા આઠ મહિનાથી રહે છે. મહિલા મિત્ર અજયભાઈ સાથે રહેતી હોવાથી પતિ મિહિર સોલંકી તેના પર રોષે ભરાયેલો હતો. આ અદાવત રાખીને મિહિરે તેના સાગરીતો સાથે મળીને અજયને પતાવી દેવાનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે.
મહિલા ઘાટલોડિયાના કે કે નગર ખાતે આવેલા રત્નમણી ફ્લેટ ખાતે રસોઈ બનાવવાનું કામ કરે છે ત્યારે અજય મહિલાને બાઈક પર લઈને ફ્લેટ ખાતે ગયો હતો. ફ્લેટમાં ઉપર મહિલા કામ કરવા ગઈ હતી ત્યારે નીચે બાઈક પર અજય મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ પાછળથી કોઈ અજાણી વ્યક્તિએ આવી તેની બંને આંખ પર હાથ મૂકી દેતા તેને બળતરા થઈ હતી.
અજયભાઈ કંઈ સમજે તે પહેલા જ તેમના માથાના ભાગે ફટકો મારી નીચે પાડી દેવાયા હતા. ત્યારબાદ મુખ્ય આરોપી મિહિર સોલંકીએ છરી વડે અજયની પીઠ અને છાતીના ભાગે આડેધડ ઘા માર્યા હતા. હુમલા દરમિયાન મિહિરે બૂમો પાડીને ધમકી આપી હતી કે, ‘તને આજે જીવતો નહીં છોડું, આ મારા પિતાની સૂચનાથી કરી રહ્યો છું.’
અજયને છરીના ઘા મારવામાં આવ્યા હતા તેના બીજા બે ચાર મિત્રો પણ આવ્યા હતા અને મારામારી કરી હતી. લોકો ભેગા થઈ જતા તેઓ ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અજયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ઘાટલોડીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


