અમદાવાદ : શહેરના હૃદય સમાન અને સતત ધમધમતા ભદ્ર વિસ્તારમાં (19 ડિસેમ્બર) મ્યુનિસિપલ કોર્પોરેશનની સતર્કતાને પરિણામે એક ભયાનક અકસ્માત થતો અટકી ગયો છે. પ્રેમાભાઈ હોલની પેરાપેટ વોલ (અગાશીની પાળી) જોખમી રીતે નમી ગઈ હોવાનું ધ્યાને આવતા જ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ નમી ગયેલા ભાગને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત શુક્રવારે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચિંતન એન્જિનિયર વહેલી સવારે મધ્ય ઝોનમાં રાઉન્ડમાં નીકળ્યા હતા. આ દરમિયાન તેમની નજર પ્રેમાભાઈ હોલના ઉપરના ભાગે ગઈ હતી, જ્યાં પેરાપેટ વોલ બહારની તરફ ભયજનક રીતે નમેલી હાલતમાં જોવા મળી હતી. દીવાલ ગમે ત્યારે નીચે પડી શકે તેમ હોવાથી તંત્ર તુરંત એક્શન મોડમાં આવ્યું હતું.જેના પગલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગને તાત્કાલિક ધોરણે આ ભાગને ઉતારી લેવા માટેની સૂચના આપવામાં આવી હતી.
ભદ્રકાળી માતાનું મંદિર અને ભદ્રનો કિલ્લો હોવાને કારણે આ પરિસરમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ, ફેરિયાઓ અને રાહદારીઓની અવરજવર રહેતી હોય છે. જો આ નમેલી દીવાલ ધરાશાયી થઈ હોત, તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી. લોકોના જાનમાલને નુકસાન ન પહોંચે તે હેતુથી એસ્ટેટ વિભાગના કાફલાએ સ્થળ પર પહોંચીને આ જોખમી ભાગને તોડી પાડ્યો હતો.


