અમદાવાદ : અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અંજલી ચાર રસ્તા પર પોલીસકર્મી દ્વારા યુવતીને લાફો મારવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના બે અલગ-અલગ પાસાં દર્શાવતા વીડિયો વાયરલ થયા બાદ હવે સત્ય શું છે તે અંગે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પાલડી વિસ્તારમાં મહિલા અને પોલીસ વચ્ચેના ઘર્ષણના મામલે અમદાવાદ પોલીસે ગંભીર વળાંક આપ્યો છે. અત્યાર સુધી માત્ર એક વાયરલ વીડિયોને આધારે ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ હવે અમદાવાદ પોલીસે બોડીવોર્ન કેમેરા અને અન્ય સત્તાવાર ફૂટેજ જાહેર કરતા સમગ્ર ઘટનાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. આ ફૂટેજમાં મહિલાની વર્તણૂક અને પોલીસ સાથેના વર્તનના દ્રશ્યો કેદ થયા છે, જે હવે તપાસમાં પાયારૂપ બનશે.
શરૂઆતમાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું હતું કે ટ્રાફિક પોલીસ દ્વારા એક વાહનચાલક યુવતીને રોકવામાં આવી હતી. આ દરમિયાન ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલા અને યુવતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે પોલીસકર્મી ઉશ્કેરાઈને યુવતીને જોરદાર લાફો ઝીંકી દે છે અને હાથમાં લાકડી રાખીને ડરાવવાનો પ્રયાસ કરે છે. સાથી કર્મચારીઓ તેમને રોકવાનો પ્રયત્ન કરે છે છતાં તેઓ દાદાગીરી કરતા નજરે પડે છે.
ઘટનાના બીજો એક નવો વીડિયો સામે આવ્યો છે, જે આ વિવાદમાં નવો વળાંક લાવ્યો છે. આ વીડિયોમાં યુવતી પોલીસકર્મીને જાહેરમાં બેફામ ગાળો ભાંડતી સંભળાય છે. વીડિયોમાં એટલી અશોભનીય ભાષાનો પ્રયોગ થયો છે કે જે અહીં લખી શકાય એમ નથી, જેના કારણે વીડિયોમાં બીપનો અવાજ મૂકવો પડ્યો છે. પોલીસનો દાવો છે કે યુવતીએ હેડ કોન્સ્ટેબલનું આઈકાર્ડ ફેંકી દીધું હતું અને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું, જેના કારણે જયંતી ઝાલા પોતાનો સંયમ ગુમાવી બેઠા હતા.
હાલ સમગ્ર ઘટનાનો આગળ-પાછળના તમામ 4 વીડ઼િયો સામે આવ્યા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે પહેલા મહિલાએ પોલીસકર્મી સાથે ગેરવર્તણુક કરી હતી. પહેલા મહિલાએ પોલીસકર્મીને અત્યંત અશ્લિલ અપશબ્દો બોલ્યા હતા. જે બાદ પોલીસકર્મીને ગુસ્સો આવતા તેમણે મહિલા પર હાથ ઉપાડયો હતો. આ સમગ્ર ઘટના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. મહિલા સતત બેશર્મીની હદ વટાવતા અશ્લિલ શબ્દો પોલીસકર્મીને કહી રહી હતી. વીડિયોમાં મહિલા પોલીસકર્મીને તેની વર્દી ઉતરાવી દેવાની પણ ધમકી આપતી જોવા મળી છે.


