અમદાવાદ : અમદાવાદમાં પરમિશન વિના ધમધમી રહેલા PG સામે તંત્રએ લાખ આંખ કરી છે. મેમનગરમાં પરમિશન વિના અને સુરક્ષાના નિયમોનો ભંગ કરીને ચલાવતા PG સંચાલકો સામે મનપાના એરસ્ટેટ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ગુરુકુળ વિસ્તારમાં આવેલી સ્ટર્લિંગ સોસાયટીમાં વગર મંજૂરીએ ધમધમતા પીજી એકમો પર તંત્રએ ત્રાટકીને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરમાં ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી સ્ટર્લીંગ સોસાયટી અને નીલમણિ સોસાયટીમાં તેમાં કુલ ત્રણ જેટલા મકાનોને પેંઇંગ ગેસ્ટ અને હોસ્ટેલ તરીકે ચલાવવામાં આવતી હતી. પોલીસી મુજબ તેઓને અલગ અલગ પુરાવાઓ રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. બે નોટિસ આપવામાં આવી છતાં પણ તેઓ દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. જેથી આજે 9 જાન્યુઆરીના રોજ ત્રણે મકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કોર્પોરેશન દ્વારા પેંઇંગ ગેસ્ટ – હોસ્ટેલ માટે પોલીસી બનાવવામાં આવેલી છે. અંતર્ગત સોસાયટી અને ફ્લેટમાં જે લોકો પેંઇંગ ગેસ્ટ – હોસ્ટેલ ચલાવતા હોય છે તેમને પોલીસ વેરિફિકેશન અને ફાયર એનઓસી તેમજ ખાસ કરીને સોસાયટીની એનઓસી હોવી ફરજીયાત છે.
પોલીસી મુજબ જો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને નોટિસ આપવામાં આવે છે. પ્રથમ નોટિસમાં 15 દિવસનો સમય આપવામાં આવે છે જેમાં તેમને અલગ અલગ પુરાવાઓ રજૂ કરવાના હોય છે. જ્યારે બીજી નોટિસ આપવામાં આવે તેમાં ત્રણ દિવસનો સમય આપવામાં આવે છે. જો આ પુરાવાઓ રજૂ ન કરવામાં આવે તો તેને સીલ કરવામાં આવે છે.
અમદાવાદમાં બહારથી ભણવા માટે કે પછી નોકરી માટે હજારો છોકરા છોકરીઓ આવતા હશે અને તેઓ PGમાં રહેતા હશે અને એટલે જ અમદાવાદમાં PGની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. તેવામાં AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ PG માલિકો સામે લાલ આંખ કરી છે અને એક મોટી કાર્યવાહી હાથ ધરી છે.


