અમદાવાદ : ઉત્તરાયણ એટલે રંગીન પતંગ, આનંદ અને ઉત્સાહનો મહાપર્વ. પરંતુ એક સમય એવો હતો જ્યારે આ ખુશીઓ વચ્ચે અમદાવાદના ફ્લાયર ઓવર બ્રિજ પર દોરી વાગવાના કારણે અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવતા હતા.આવા અકસ્માત અને લોકોના જીવ બચાવવા માટે અમદાવાદના શાહપુરમાં રહેતા મનોજભાઈ ભાવસાર ‘મિશન સેવ ઉત્તરાયણ’ દ્વારા તમામ બ્રિજ પર તાર લગાવવાની શરૂઆત કરી છે. આ વર્ષે તેમણે 33 બ્રિજ પર તાર બાંધ્યા છે. તેઓ છેલ્લા 19 વર્ષથી ‘મિશન સેવ ઉત્તરાયણ’ દ્વારા આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે.
અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા મનોજ ભાવસાર 2-4 વર્ષથી નહીં પરંતુ પાછલા 19 વર્ષથી ઉત્તરાયણ પહેલા લોકોના કિંમતી જીવનને માંજાથી બચાવવા માટે વિવિધ તૈયારીઓ શરુ કરી દે છે. તેઓ ઉત્તરાયણ પહેલા આ વર્ષે તેમણે 33 બ્રિજ પર તાર બાંધ્યા છે. તેઓ છેલ્લા 19 વર્ષથી ‘મિશન સેવ ઉત્તરાયણ’ દ્વારા આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે.
કેવી રીતે પ્રેરણા મળી? વર્ષ 2007માં અમદાવાદના એઈસી બ્રિજ પરથી મનોજભાઈ દોરીનો ભોગ બન્યા હતા, ત્યારબાદ તેમણે નક્કી કર્યુ કે આ દોરીનો ભોગ અન્ય લોકો ન બને તે માટે તાર બાંધવા પડશે. આથી તેમણે સૌથી પહેલાં એઈસી બ્રિજ પર તાર લગાવાની મુહિમ શરૂ કરી અને બાદમાં ધીમે ધીમે તેમણે અમદાવાદના કુલ 35 બ્રિજ પર તાર લગાવ્યા. ત્યારે આ વર્ષે તેઓ 4 લાખના ખર્ચે 30-35 બ્રિજ પર તાર બાંધી રહ્યાનો દાવો કરે છે.
અમદાવાદના બ્રિજ પર તાર લગાવવા મનોજભાઈ માટે કપરું હતું કારણ કે, જે બ્રિજ પર સાઈડ પર લાઈટ પોલ ન હોય તેવાં બ્રિજ પર ટેકનિકથી તાર લગાવવા પડે છે. વાહનચાલકો માટે ઘાતક દોરી જીવલેણ ન બને તે માટે મનોજભાઈ 20 ફુટ ઉંચાઈ પર તાર લગાવવે છે. અમદાવાદના સૌથી ખતરનાક એવાં ધરણીધર, અંજલિ, વટવા ઈસનપુર, હાટકેશ્વર તથા મેમ્કો બ્રિજ પર તેઓ તાર સૌથી પહેલાં લગાવી દે છે.
કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જતા બચાવવાનું આ કામ કરતા યુવક એટલે મનોજ ભાવસાર. જેઓ પોતે AC ટેકનિશિયન છે પરંતુ વર્ષ 2010માં ચાંદલોડિયા બ્રિજ પર દોરીથી થયેલા એક કરુણ મોત બાદ તેમને આ ખાસ સંકલ્પ લીધો હતો કે, તેઓ નિર્દોષ લોકોના જીવ બચાવશે. જેના ભાગરૂપે તેઓ હાલ અમદાવાદ શહેરના વિવિધ બ્રિજ પર સુરક્ષા તાર લગાવવાનું કાર્ય કરે છે.
કોર્પોરેશનમાંથી જરૂરી મંજૂરી મેળવી,આ વર્ષે અંદાજે 3.30થી 4 લાખ રૂપિયાનું ખર્ચ આ કામગીરી પાછળ કર્યો છે. આ ખર્ચ મનોજ ભાવસાર અને તેમના અંગત મિત્રોના સહયોગથી ઉઠાવવામાં આવે છે. કોઈ સરકારી સહાય વિના, સંપૂર્ણપણે સ્વૈચ્છિક ભાવનાથી આ અભિયાન આગળ વધારવામાં આવે છે.


