અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત ઝડપી બનાવવા અને કરદાતાઓને વ્યાજમાં મોટી રાહત આપવા માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી જાહેર કરાયેલી ‘વ્યાજ માફી યોજના’ને શહેરના નાગરિકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. મળતી માહિતી મુજબ જાહેરાતના પ્રથમ તબક્કામાં જ 34 કરોડ જેટલી માતબર રકમની આવક થઈ છે.
અમદાવાદ શહેરના વિસ્તરણ બાદ પ્રોપર્ટી ટેકસની આવક વધી છે. જોકે ગત વર્ષે પ્રોપર્ટી ટેકસની કુલ આવક 1745. 61 કરોડ નોંધાઇ હતી. તેની સામે ચાલુ નાણાંકીય વર્ષમાં 9મી જાન્યુઆરી સુધી વિવિધ કારણોસર ટેકસની આવક 1398.68 કરોડ જેટલી થવા પામી છે.જોકે ટેક્સ વસૂલાત માટે કોઇ રાહત આપ્યા વગર સીલીંગ અને જપ્તી જેવા અત્યંત કડક પગલાં ભરવાથી વિવાદ વકરે તેવી સંભાવનાને ધ્યાને લઇ શાસક ભાજપે જાન્યુઆરી મહિનાથી બાકી પ્રોપર્ટી ટેકસ ઉપર ચઢેલાં વ્યાજની રકમમાં માફી આપવાની યોજના જાહેર કરી હતી.
કોર્પોરેશનના ટેકસ ખાતાએ પણ વ્યાજમાફી યોજનાનો લાભ લઇ બાકી ટેકસ ભરપાઇ કરવા માટે હજારો કોમર્શિયલ મિલકતધારકોને જાણકારી આપવાનુ શરૂ કરતાં નવ દિવસમાં જ 34 કરોડની આવક થવા પામી છે. ટેક્સની આવકમાં મોટાભાગે પશ્ચિમ ઝોન અગ્રેસર રહેતુ હોય છે, પરંતુ આ વખતે ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોન અગ્રેસર રહ્યાં છે. જ્યારે સૌથી ઓછી આવક હાલ તો ઉત્તર ઝોન ટેક્સ ખાતાની દેખાઇ રહી છે.
જો કે, ગત વર્ષ કરતાં આ ઘણી ઓછી આવક હોવાથી ઉત્તરાયણના તહેવાર બાદ કોમર્શિયલ મિલકતોને સીલ કરવાની ઝુંબેશ ઉગ્રતાથી હાથ ધરાશે તેમ જાણવા મળ્યુ હતું. મ્યુનિ.કમિશનર અને શાસક ભાજપે ગત વર્ષ કરતાં ઓછી આવક જોઇને ટેક્સ ખાતાને ગત વર્ષ કરતાં વધુ આવક મેળવવા માટે તાકીદ કરી હતી.
અમદાવાદ કોર્પોરેશનના ટેકસ ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું કે, બાકી પ્રોપર્ટી ટેકસ વસૂલાત માટે છેલ્લા બે મહિનાથી કડક કાર્યવાહી કરવાની તૈયારી ચાલતી હતી, પરંતુ ચૂંટણીલક્ષી કામગીરીમાં મોટાભાગના સ્ટાફને ફાળવી દેવાયો હોવાથી ટેક્સ વસૂલાતની કોઇ કામગીરી થઇ શકી નથી તે બાબત કમિશનરને ધ્યાને લાવવામાં આવી હતી.
જોકે કમિશનરે જાન્યુઆરીમાં શરૂ કરાયેલી વ્યાજમાફી યોજનાનો લાભ લેવા આગળ ન આવે તેવા કોમર્શિયલ મિલકતધારકો સામે ઉત્તરાયણ બાદ મિલકત સીલ અને મિલકત ટાંચમાં લઇ જપ્તી કરવા તેમજ બોજા નોંધ કરાવવા જેવા કડક પગલા શરૂ કરવાની સૂચના આપી દીધી છે. તેમ છતાં ટેકસ ખાતાએ વ્યાજ માફી યોજનાના અમલીકરણ સાથે સીલ ઝુંબેશ શરૂ કરી દીધી છે, પરંતુ એકદમ કડક કાર્યવાહી ટાળી છે. તેના કારણે અત્યાર સુધીમાં સાત ઝોનમાં ફક્ત 500 જેટલી કોમર્શિયલ મિલકતોને સીલ મારવામાં આવ્યા છે. પરંતુ ઉત્તરાયણ પછી તો દરેક ઝોનમાં રોજના 500 થી 1000 મિલકતને સીલ મારીને ગત વર્ષ કરતાં વધુ આવક લાવવાના પ્રયાસ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે AMC દ્વારા જાહેર કરાયેલી આ યોજના હેઠળ જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને બિનરહેણાંક (કોમર્શિયલ) બંને પ્રકારની મિલકતો માટે જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો માટે જાન્યુઆરીમાં 85 ટકા, ફેબ્રુઆરીમાં 80 ટકા અને માર્ચમાં 75 ટકા વ્યાજ માફી મળશે. દર મહિને વ્યાજ માફીમાં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી વહેલી ચૂકવણી કરનારને વધુ લાભ મળે છે.


