અમદાવાદ : અમદાવાદીઓ માટે મેટ્રો હવે માત્ર મુસાફરીનું સાધન નહીં, પણ શહેરની જીવાદોરી બની ગઈ છે. મેટ્રોના નેટવર્કનો વ્યાપ વધવાની સાથે જ મુસાફરોની સુવિધા માટે તંત્ર દ્વારા એક મોટો અને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી અમદાવાદ મેટ્રોના અલગ-અલગ રૂટને નવા 4 કલર કોડ આપવામાં આવ્યા છે, જેથી મુસાફરો મુંબઈ કે દિલ્હીની જેમ જ રંગના આધારે પોતાની ટ્રેન અને પ્લેટફોર્મ ઓળખી શકશે.
પ્રધાનમંત્રીએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી મેટ્રો (Metro)ટ્રેનને ફ્લેગ ઓફ કરી હતી. આ ઇવેન્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ અંતિમ 7.8 કિમીના સ્ટ્રેચમાં 7 નવા સ્ટેશનો ઉમેરાયા છે, જેમાં અક્ષરધામ, ઓલ્ડ સેક્રેટરિયેટ, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે.
કઈ લાઈન કયા રૂટ પર દોડશે?
મેટ્રો સત્તામંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ઓળખ મુજબ:
બ્લૂ લાઈન (Blue Line): પૂર્વથી પશ્ચિમને જોડતો વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો રૂટ હવે બ્લૂ લાઈન તરીકે ઓળખાશે.
રેડ લાઈન (Red Line): ઉત્તરથી દક્ષિણને જોડતો APMC (વાસણા) થી મોટેરા સ્ટેડિયમ સુધીનો કોરિડોર હવે રેડ લાઈનથી ઓળખાશે.
યલો લાઈન (Yellow Line): નવા વિસ્તરણ હેઠળ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર (ગાંધીનગર) સુધીનો રૂટ હવે યલો લાઈન તરીકે ઓળખાશે.
વાયોલેટ લાઈન (Violet Line): જીએનએલયુ (GNLU) થી સ્પેશિયલ ગિફ્ટ સિટી (GIFT City) જતો રૂટ વાયોલેટ લાઈન તરીકે ઓળખાશે.
ભાડામાં રાહત અને મુસાફરીમાં સરળતા
નવા રૂટ શરૂ થવાની સાથે જ મુસાફરો માટે ભાડાના દર પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. હવે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીની મુસાફરી માત્ર ₹40 માં પૂર્ણ કરી શકાશે. આ ફેરફારથી ખાસ કરીને નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે.
શા માટે આ ફેરફાર જરૂરી હતો?
જેમ જેમ મેટ્રોના ફેઝ-2 નું કામ આગળ વધી રહ્યું છે, તેમ મુસાફરોમાં કયો રૂટ ક્યાં જશે તેને લઈને ગૂંચવણ ન થાય તે માટે આ આંતરરાષ્ટ્રીય સ્તરની ‘કલર કોડિંગ’ સિસ્ટમ અપનાવવામાં આવી છે. સ્ટેશન પરના સાઈનબોર્ડ, મેપ અને એનાઉન્સમેન્ટમાં પણ હવે આ રંગોનો ઉલ્લેખ કરવામાં આવશે, જેનાથી અભણ કે નવા મુસાફરો પણ સરળતાથી મુસાફરી કરી શકશે.


