અમદાવાદ : અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનું લોકાર્પણ કર્યું છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૧ જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના મેટ્રો લિંકનું ઉદ્ઘાટન કર્યા બાદ હવે 16 જાન્યુઆરી 2026 (શુક્રવાર)થી આ રૂટ પર મેટ્રો ટ્રેનનું મેટ્રોનું નવું ટાઈમટેબલ અમલી બનશે, જેમાં પીકઅવર્સ દરમિયાન દર સાત મિનિટે એક મેટ્રોની સર્વિસ ઉપલબ્ધ હશે, જેથી પ્રવાસીઓને અવરજવર કરવામાં સુવિધા મળી રહેશે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આજે જારી કરાયેલ સત્તાવાર અખબારી યાદી મુજબ, મુસાફરો નવા સમયપત્રક મુજબ મુસાફરી કરી શકશે. મેટ્રો દ્વારા જાહેર કરાયેલા નવા સમયપત્રકની ખાસિયત એ છે કે વિવિધ રૂટને અલગ-અલગ રંગો દ્વારા ઓળખ આપવામાં આવી છે, જેમાં વસ્ત્રાલ-થલતેજ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરને વાદળી (Blue), એપીએમસી-મોટેરા નોર્થ-સાઉથ કોરિડોરને લાલ (Red), મોટેરા-સચિવાલય કોરિડોર-1ને પીળો (Yellow) અને જીએનએલયુ (GNLU) – ગિફ્ટ સિટી (GIFT City) કોરિડોરને જાંબલી (Violet) રંગ આપવામાં આવ્યો છે. ગાંધીનગર સુધી મેટ્રો લંબાવવામાં આવતા હવે મુસાફરો માટે ગિફ્ટ સિટી અને સચિવાલય સુધી પહોંચવું વધુ સરળ બનશે.
વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર – બ્લુ લાઈન) કોરિડોર 21.1 કિમી લાંબો છે અને મુસાફરીનો સમય 45 મિનિટનો રહેશે. ટ્રેન ફ્રીક્વન્સીની વાત કરવામાં આવે તો સોમવારથી શુક્રવાર સવારે 8:00 થી 11:00 અને સાંજે 5:00 વાગ્યાથી 8:00 દરમિયાન દર 07 મિનિટે ટ્રેન મળશે. સોમવારથી શુક્રવાર અને શનિવાર દર 10 મિનિટે ટ્રેન મળશે. શનિવાર અને રવિવાર દર 12 મિનિટે ટ્રેન મળશે. પ્રથમ ટ્રેન અને છેલ્લી ટ્રેનના સમયની વાત કરવામાં આવે તો પ્રથમ ટ્રેન સવારે 06:20 વાગ્યે અને છેલ્લી ટ્રેન રાત્રે 10:00 વાગ્યે ઉપડશે.

PMC થી મોટેરા સ્ટેડિયમ (નોર્થ-સાઉથ કોરિડોર – રેડ લાઈન) કોરિડોર 18.8 કિમી લાંબો છે અને મુસાફરીનો સમય 32 મિનિટનો રહેશે. ટ્રેન ફ્રીક્વન્સીની વાત કરવામાં આવે તો આખા અઠવાડિયા દરમિયાન સોમવારથી રવિવાર દર 12 મિનિટે ટ્રેન ઉપલબ્ધ રહેશે. પ્રથમ ટ્રેન અને છેલ્લી ટ્રેનના સમયની વાત કરવામાં આવે તો બંને છેડેથી પ્રથમ ટ્રેન સવારે 06:20 વાગ્યે અને છેલ્લી ટ્રેન રાત્રે 10:00 વાગ્યે ઉપડશે.
ગાંધીનગર મેટ્રોના વિસ્તરણ સાથે લાઈન-3 (મોટેરા સ્ટેડિયમથી સચિવાલય) અને લાઈન-4 (GNLUથી ગિફ્ટ સિટી)ના સમયપત્રકની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમથી સચિવાલય વચ્ચેના 16.9 કિમીના અંતર માટે મેટ્રો લાઈન-3 (યલો લાઈન) પર મુસાફરીનો સમય અંદાજે 47 મિનિટ રહેશે. આ રૂટ પર સવારે 08:11 થી રાત્રે 19:46 વાગ્યા સુધી સરેરાશ દર 36 મિનિટે ટ્રેન ઉપલબ્ધ રહેશે.
જોકે, બપોરના સમયે મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 વચ્ચેની બે સ્પેશિયલ ટ્રિપ્સ (13:37 અને 14:46 વાગ્યે) માટે 69 મિનિટનો સમય નિર્ધારિત કરાયો છે. આ રૂટ પર મોટેરાથી પ્રથમ ટ્રેન સવારે 08:11 વાગ્યે અને સચિવાલયથી છેલ્લી ટ્રેન રાત્રે 7.46 વાગ્યે ઉપડશે.
બીજી તરફ, લાઈન-4 (વાયોલેટ લાઈન) જે GNLUથી ગિફ્ટ સિટીને જોડે છે, તે 5.8 કિમીનું અંતર માત્ર 8 મિનિટમાં કાપશે. આ રૂટ પર સવારે 07:41 વાગ્યાથી 10:11 દરમિયાન સરેરાશ દર 46 મિનિટે અને સાંજે 15:53 વાગ્યાથી 19:14 દરમિયાન દર ૬૨ મિનિટે મેટ્રો ટ્રેન દોડશે.
ખાસ નોંધવા જેવી બાબત એ છે કે સવારે 10:11 થી બપોરે 15:53 વાગ્યા સુધીના સમયગાળામાં મેટ્રો ટ્રેનને બદલે માત્ર બસ સેવાઓ ઉપલબ્ધ રહેશે. ગિફ્ટ સિટી જવા માટે છેલ્લી ટ્રેન GNLU થી સાંજે 18:53 વાગ્યે ઉપડશે, જ્યારે ગિફ્ટ સિટીથી પરત ફરવા માટે છેલ્લી ટ્રેન 19:14 વાગ્યે મળશે.


