અમદાવાદ : અમદાવાદના વાસણા વિસ્તારમાં SMCની ટીમે કોલેજના યુવકોને નશાના રવાડે ચડાવવાની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. SMC એ વાસણા વિસ્તારમાં આવેલા જય ફ્લેટમાં ચોક્કસ માહિતીના આધારે રેડ કરી જ્યાંથી આરોપી દર્શીલ ભરતભાઈ વાછાણી અને હરીકૃષ્ણ કિશોરભાઈ રૈયાણીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ને 22 જાન્યુઆરી 2026ના રોજ એક માહિતી મળી હતી કે, દર્શીલ વાછાણી (રહે. વાસણા) અને તેનો સાગરીત હરીકૃષ્ણ રૈયાણી (રહે. ગોંડલ) હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લઈ વાસણા વિસ્તારમાં છૂટક વેચાણ કરવાના છે. આ બાતમીના આધારે SMCની ટીમે પંચોની હાજરીમાં પ્રતાપકુંજ સોસાયટીના નાકે વોચ ગોઠવી હતી.આરોપીઓ એક કોમર્સ કોલેજ નજીક વિદ્યાર્થીઓને ગાંજાનું વેચાણ કરતાં હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત લાખોની કિંમતનો પ્રતિબંધિત હાઈબ્રીડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, તેઓ વાસણાના જય ફ્લેટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહી નજીકમાં આવેલી જી.બી.શાહ કોમર્સ કોલેજ પાસેના વિસ્તારમાં વિદ્યાર્થીઓને ગાંજાનું છૂટક વેચાણ કરતા હતા. આ કેસમાં ડ્રગ્સ સપ્લાય કરનાર અન્ય 3 વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ પણ ગાંધીનગર ખાતે NDPS એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન આ બંને ઈસમો પાસેથી 1 કિલો 186 ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 41,50,000 જેટલી થાય છે. આ ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 42,38,810નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. જે સાથે બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. ત્યારે સવાલ ઊભા થઈ રહ્યો છે કે આજનું યુવાધન કયા રસ્તે જઈ રહ્યું છે?


