અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની બોટલો મોટા પ્રમાણમાં મળી આવતા શિક્ષણના ધામમાં ફરી એકવાર મોટો પ્રશ્ન ઊભો થયો છે. યુનિવર્સિટીની હોસ્ટેલના D બ્લોકના અગાસી માંથી આ ખાલી બોટલો મળી આવી હતી અને આ બોટલો મળી આવતા ઘણા પ્રશ્નો યુનિવર્સિટીની સિક્યોરીટી, સિસ્ટમ અને સત્તાધીશો સામે ઊભા થયા છે. આટલા મોટા પ્રમાણમાં દારૂની બોટલો મળી આવતા પહેલો પ્રશ્ન તો એ થાય કે આ યુનિવર્સિટી છે કે દારૂનો અડ્ડો.?
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 27મી જાન્યુઆરી, 2026ની મોડી રાત્રે યુનિવર્સિટીની હોસ્ટેલના D બ્લોક પર તપાસ દરમિયાન ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યું હતું. બ્લોકના ધાબા પરથી એક-બે નહીં પરંતુ મોંઘા દારૂની 10 થી વધુ વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવ્યો હતો. આટલી મોટી સંખ્યામાં બોટલોનું મળી આવવું એ સ્પષ્ટ છે કે હોસ્ટેલના પરિસરમાં અવારનવાર દારૂની મહેફિલો જામતી હશે. અગાઉ જ્યારે શિક્ષણમંત્રીએ રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે પણ તેમના હાથે દારૂની બોટલ લાગી હતી, જે દર્શાવે છે કે જૂની ઘટનાઓમાંથી કોઈ પાઠ લેવામાં આવ્યો નથી.ત્યારે પણ આ સવાલો ઊભા થયા હતા અને આજે ફરીવાર દારૂની બોટલો મળી આવી છે ત્યારે ખરેખર આ ચિંતા સાથે અરાજકતા જન્માવે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ગર્લ્સ અને બોય્ઝ બંનેની હોસ્ટેલ આવેલી છે. અને ત્યાં નજીકમાં પોલીસ સ્ટેશન પણ છે. તેમ છતાં ગઇકાલે 27 જાન્યુઆરીની મોડી રાતે D બ્લોકના ધાબા પરથી દારૂની બોટલોનો ઢગલો મળી આવતા હોસ્ટેલમાં અવાર નવાર દારૂની પાર્ટી થતું હોવાની વાત શંકા જન્માવે તેવી છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં નજીકમાં પોલીસ સ્ટેશન છે અને હોસ્ટેલમાં પણ સિક્યોરીટી ગાર્ડ અને વોર્ડન હાજર હોય છે છતાં પણ જો મોટા જથ્થામાં દારૂની બોટલ મળતા અનેક પ્રશ્નો ઊભા થયા છે.
જો કે ગુજરાત યુનિવર્સિટી કોઈના કોઈ કારણસર હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. અંહિયા બહારથી પણ મોટી સંખ્યામાં ભણવા માટે આવે છે. ત્યારે માત્ર દારૂની બોટલો જ નહિ પણ આ પહેલા યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી ગાંજાના છોડ પણ મળી આવ્યા હતા. કોઈ અજાણ્યા વ્યક્તિએ હોસ્ટેલમાં ગાંજાની ખેતી કરી હતી આ અંગે વિદ્યાર્થીઓને જણ થતાં તેમણે પોલીસ ફરિયાદ પણ કરી હતી. ત્યારે ગઇકાલે ફરી દારૂની બોટલના જથ્થા મળતા ઘણા પ્રશ્નો ઊભા થયા છે.


