અમદાવાદ : ઉત્તર ગુજરાત માટે એક સૌથી મોટા સારા સમાચાર સામે આવ્યા છે. આજે ઉત્તર ગુજરાતના વિકાસને વધુ વેગ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદથી મહેસાણા વચ્ચેના મુખ્ય રોડને આધુનિક અને વિસ્તૃત બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી આવનારા સમયમાં ટ્રાફિક સમસ્યામાં મોટો ઘટાડો થશે અને મુસાફરી વધુ સરળ બનશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદથી મહેસાણા વચ્ચેના 51.60 કિ.મી. લાંબા માર્ગને રૂ. 2630 કરોડના ખર્ચે આઠ માર્ગીય (8-Lane) કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, અડાલજથી પાલાવસણા સર્કલ સુધીનો માર્ગ હવે 8 લેનમાં વિકસાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજે રૂપિયા 2630 કરોડનો ખર્ચ કરવામાં આવશે. માર્ગને અપગ્રેડ કરતી વખતે બંને બાજુ 7 મીટર પહોળા સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે, જેથી સ્થાનિક વાહન વ્યવહાર સરળ બની રહે.
આ સાથે પ્રોજેક્ટ અંતર્ગત કુલ 6 નવા ફ્લાયઓવર બનાવવાની યોજના છે. ખાસ કરીને કલોલ ખાતે 4 લેનનો આધુનિક ફ્લાયઓવર બનશે, જે શહેરના ટ્રાફિક દબાણને ઓછું કરવામાં મદદરૂપ થશે. ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા 8 અંડરપાસને પણ મંજૂરી આપવામાં આવી છે, જેથી લોકોની અવરજવર વધુ સુરક્ષિત અને સુગમ બને. સરકારનું લક્ષ્ય છે કે આ તમામ કામો ઝડપથી પૂર્ણ થાય, જેથી ઉત્તર ગુજરાતના ઉદ્યોગ, વેપાર અને રોજગારીના ક્ષેત્રોને સીધો લાભ મળે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પણ મહત્વની ચર્ચા કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યમાં કુલ 2020 કિલોમીટર લાંબા નવા રસ્તાઓ બનાવવામાં આવશે. આ કામ માટે અંદાજે 2600 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જે મુખ્યત્વે કેન્દ્ર સરકારની ગ્રાન્ટના આધાર પર કરવામાં આવશે.
મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંક નાયકે અમદાવાદ-મહેસાણા (અડાલજ) થી મહેસાણા (પાલાવાસણા સર્કલ) સુધીના 51.60 કિ.મી. લાંબા હાઈવેના રૂા. 2630 કરોડના ખર્ચે આઠ માર્ગીયકરણ કરવાના મેગા પ્રોજેક્ટના ઐતિહાસિક નિર્ણય બદલ સમગ્ર ઉત્તર ગુજરાતની જનતા વતી હૃદયપૂર્વક આભાર માન્યો છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં કલોલ શહેરમાં 6.10 કિ.મી. લંબાઈનો એલીવેટેડ કોરિડોર બનવાથી સ્થાનિક ટ્રાફિક અને હાઈવે ટ્રાફિક અલગ પડશે, જે કલોલના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.આ ઉપરાંત શેરથા, રાજપુર, જગુદણ અને મેવડ ખાતે નવા ફ્લાયઓવર તેમજ વિવિધ સ્થળોએ 8 જેટલા અંડરપાસથી વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને ઝડપી બનશે. નવો રેલવે ઓવરબ્રિજ: કલોલ ખાતે હયાત ROB ની બાજુમાં નવો 4-માર્ગીય ROB બનાવવાનો નિર્ણય પણ પ્રશંસનીય છે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને વેગ મળશે અને મુસાફરીના સમયમાં મોટો ઘટાડો થશે. ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાના આપના સંકલ્પ બદલ હું ફરી એકવાર આપનો આભાર વ્યક્ત કરું છું.


