અમદાવાદ : મોટી સંખ્યામાં બહાર ગામથી લોકો રિવરફ્રન્ટ જોવા આવતાં હોય છે. હાલમાં રિવરફ્રન્ટ પર રિક્ષા માટે પ્રતિબંધ છે. ઉપરાંત એએમટીએસની બસ રિવરફ્રન્ટના રૂટ પર આવતી ન હોવાથી લોકોને આશ્રમ રોડથી અંદરની તરફ આવવું પડે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ ગુરુવારે જણાવ્યું હતું કે તેની જાહેર પરિવહન બસો ટૂંક સમયમાં પૂર્વ અને પશ્ચિમ બંને કાંઠે દોડશે.હાલમાં આ રોડ પર માત્ર ખાનગી દ્વિચક્રી અને ફોર-વ્હીલર વાહનોને જ અવરજવરની છૂટ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા વર્ષ 2026-27 માટે રજૂ કરવામાં આવેલા ₹991 કરોડના ડ્રાફ્ટ બજેટમાં ગુરુવારે જાહેરાત કરવામાં આવી હતી કે, સાબરમતી રિવરફ્રન્ટના બંને કાંઠે ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક AC બસો દોડાવવામાં આવશે. બસ સર્વિસ શરૂ થયા પછી રિવરફ્રન્ટ આવતાં લોકોને લાબું ચાલવું નહીં.જોકે, આ સર્વિસ ક્યારથી શરૂ થશે તેની કોઈ ચોક્કસ સમયમર્યાદા જણાવવામાં આવી નથી.
હાલમાં રજુ કરવામાં આવેલ બજેટમાં અમદાવાદમાં વર્ષ 2030 સુધીમાં AMTSના કાફલાની તમામ બસોને AC અને ઈલેક્ટ્રિક બનાવવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યું છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે 4 નવા મલ્ટીમોડેલ હબ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ હબ રિંગ રોડની બહારની સાઈડ અને શહેરની ચારેય દિશામાં બનાવવામાં આવશે. જેથી મુસાફરોને મેટ્રો, BRTS અને GSRTC સાથે સરળ કનેક્ટિવિટી મળી રહેશે.
બજેટમાં ડ્રાઈવરો માટે ખાસ ટ્રેનિંગ સેન્ટર બનાવવાની અને ઓન-રોડ બસોની સંખ્યા વધારીને મુસાફરોની પ્રતીક્ષા અવધિ ઘટાડવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, હાલમાં દરરોજ અંદાજે 5.5 લાખ મુસાફરો AMTSનો લાભ લઈ રહ્યા છે, જે આંકડો આગામી સમયમાં વધારવાનું લક્ષ્ય છે.


