અમદાવાદ : ગુજરાતમાં નાના કર્મચારીથી લઇ સચિવ કક્ષાના અધિકારીઓ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર ગણી બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં રોજ સરેરાશ 1 કર્મચારી લાંચના છટકામાં પકડાતા હોય છે ત્યારે અમદાવાદમાં કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ બનાવવા માટે લાંચ માંગનારા ત્રણ કર્મચારીઓ ઝડપાયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના એક જાગૃત નાગરિકે નવું આધાર કાર્ડ કઢાવવું હતું, આ માટે તેણે સરસપુર ખાતે આવેલ સિટી સિવિક કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. જયા કરાર આધારિત આરોપી પંચોલીને નવું આધાર કાર્ડ મેળવવામાં મદદ માટે સંપર્ક કર્યો હતો. પંચોલીએ કથિત રીતે શરૂઆતમાં રૂ. 25,000ની લાંચ માંગી હતી, બાદમાં વધારાના રૂ. 7,000ની માંગણી કરી હતી, જે કુલ રૂ. 32,000 સુધી પહોંચી હતી. આ માંગ આરોપી સોલંકી વતી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
તેઓ લાંચ આપવા તૈયાર ન થતાં, ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો કર્યો હતો, ફરિયાદના આધારે ACB ટીમે છટકું ગોઠવ્યું હતું. આયોજિત કામગીરી દરમિયાન, આરોપી પ્રજાપતિએ સ્થળ પર ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી હતી, ત્યારબાદ ACB ટીમે તેને રંગે હાથે પકડી લીધો હતો અને સંપૂર્ણ રકમ વસૂલ કરી હતી.
ACB ની યોજના મુજબ, ફરિયાદી લાંચ આપવા માટે અમદાવાદ કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પહોંચ્યા હતા. ત્યાં આરોપી જય પંચોલીના કહેવાથી અને કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી વતી ત્રીજો આરોપી સંદીપ પ્રજાપતિએ રૂ. 32,000 સ્વીકાર્યા હતા. નાણાંનો સ્વીકાર થતા જ પૂર્વ આયોજીત ગોઠવણ મુજબ ACB ની ટીમે ત્રાટકીને ત્રણેયને ઝડપી લીધા હતા.


