અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) પોતાની અણઘડ નીતિઓને કારણે ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. શહેરના પોશ એવા પ્રહલાદનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 93 કરોડથી વધુના ખર્ચે બનાવેલા મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેચવા કાઢવામાં આવ્યું છે.તંત્રના આ નિર્ણયને લઈને શહેરીજનોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પોશ વિસ્તાર એવા પ્રહલાદનગર ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 93 કરોડથી વધુના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું. જોકે, બે વર્ષ પહેલાં બનેલા આ મલ્ટીલેવલ પાર્કિંગ સતત ખાલી રહેતું હતું. મલ્ટીલેવલ પાર્કિંગમાં 2થી 4 માળ પાર્કિંગ માટે અને તેથી ઉપરના તમામ ફ્લોરને ઓફિસો માટે ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો માટે વેચાણ કરવાનો નિર્ણય કરાયો હતો.
તે બાદ પણ બે વખત જાહેર હરાજી કરવામાં આવી હોવા છતાં કોઇ ખરીદાર મળ્યો ન હતો. કુલ ચાર વખત પ્રહલાદ નગર મલ્ટીલેવલ પાર્કિંગમાં આવેલા પાંચમા માળથી આઠમા માળ અને ગ્રાઉન્ડ ફ્લોર સહિતની દુકાનોને વેચવા માટે જાહેરાત કરવા છતાં કોઈએ રસ ના દાખવતા આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનએ પાર્કિંગ સહિતની તમામ જગ્યા વેચવા માટે તૈયારી દર્શાવી છે. આ જગ્યા 349.69 કરોડમાં વેચાણ માટે મુકી છે.
AMC દ્વારા આશરે 93 કરોડ રૂપિયાના માતબર ખર્ચે પ્રહલાદનગર ખાતે આધુનિક મલ્ટીલેવલ કાર પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. જોકે, આ પ્રોજેક્ટમાંથી આવક મેળવવામાં નિષ્ફળ ગયેલું તંત્ર હવે તેને ટેન્ડર પદ્ધતિથી વેચવા જઈ રહ્યું છે. આ માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અર્થે મૂકવામાં આવી છે.
શહેરમાં પાર્કિંગની ગંભીર સમસ્યા હોવા છતાં, કરોડોના ખર્ચે બનેલી સુવિધાને જાળવવાના બદલે તેને ખાનગી હાથોમાં સોંપી દેવાના નિર્ણયથી વિપક્ષ અને સામાન્ય જનતા સવાલ ઉઠાવી રહી છે. શું આ રીતે સરકારી મિલકતો વેચીને જ વહીવટ ચલાવવામાં આવશે?


