અમદાવાદ : શહેરના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારની માણેકબાગ સોસાયટીમાં ગત ઉત્તરાયણ દરમિયાન થયેલી કરોડોની ચોરીનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. રીઢા ગુનેગાર કમલેશ ઉર્ફે ગૂગો પરમાર અને મેહુલ પરમારની ધરપકડ કરી પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.પકડાયેલા તસ્કરો પૈકી એક શખસ વિરુદ્ધ અગાઉ શહેરના વિવિધ પોલીસ મથકોમાં અનેક ગુના નોંધાયેલા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના માણેકબાગ સોસાયટીમાં રહેતા જાણીતા ડૉક્ટર અને તેમનો પરિવાર મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે 16 જાન્યુઆરીના રોજ દુબઈ ફરવા ગયો હતો. આ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આરોપીઓ રિક્ષા લઈને આવ્યા હતા અને આશરે એકથી દોઢ કલાક સુધી ઘરમાં રહીને સેફ લોકર તોડ્યું હતું. લોકરમાંથી 203.5 તોલા સોનાના દાગીના, ડાયમંડના ઘરેણાં અને 45 લાખ રોકડ મળી કુલ 1.47 કરોડની મતાની ચોરી કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાની ગંભીરતા જોતા ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી.સેટેલાઈટ અને આસપાસના વિસ્તારના સેંકડો CCTV ફૂટેજ તપાસ્યા હતા. શંકાસ્પદ હિલચાલ અને રીઢા ગુનેગારોની પ્રોફાઈલ મેચ થતા પોલીસે બાતમીદારોને સક્રિય કર્યા હતા, જેના આધારે બે શખસોની ધરપકડ કરવામાં આવી હતી.
શાતિર તસ્કરોએ ઓળખ છુપાવવા માટે ઘરના સીસીટીવી કેમેરાનું DVR (ડિજિટલ વિડિયો રેકોર્ડર) પણ ચોરી લીધું હતું અને બાદમાં તેને સાબરમતી નદીમાં ફેંકી દીધું હતું.


