અમદાવાદ : અમદાવાદ શહેરના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દૈનિક 467 MLD જેટલું નર્મદાનું પાણી વધારે મળશે. હાલમાં શહેરમાં દૈનિક 1600 MLD પાણી મળી રહ્યું છે. સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં રીંગ રોડની આસપાસ વૈષ્ણોદેવી, એસ.જી. હાઇ-વે સહિતના પાણીનો જથ્થો વધુ મળી રહેશે.હાલ અમદાવાદ શહેરને દૈનિક અંદાજે 1600 MLD નર્મદાનું પાણી મળી રહ્યું છે, જેમાં હવે વધારાનો જથ્થો ઉમેરાતા પાણી પુરવઠામાં વધારો થશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં દિન પ્રતિદિન વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રિંગ રોડની આસપાસમાં રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારો બની રહ્યા છે. નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેના માટે નર્મદા નિગમ પાસે પાણી માંગવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી સમક્ષ પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેના માટે હવે નર્મદાનું પાણી વધારે મળશે. દૈનિક 467 MLD જેટલું પાણી વધારાનું મળશે.
વધુ પાણીનો જથ્થો મળતાની સાથે જ AMC દ્વારા શહેરીજનોને દૈનિક પાણી પુરવઠો વધારવામાં આવશે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં રિંગ રોડ આસપાસ ગોતા, ચાંદખેડા, વૈષ્ણોદેવી, શીલજ, બોપલ અને ઘુમા જેવા વિસ્તારોમાં નર્મદાના પાણી માટે લોકો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતા. હવે આ વિસ્તારો સહિત AMCમાં નવા ભળેલા વિસ્તારોને પણ પૂરતું પાણી મળવાની શક્યતા વધી છે.
AMC અધિકારીઓના જણાવ્યા અનુસાર, વધારાના પાણીના વિતરણ માટે જરૂરી તકનીકી વ્યવસ્થા અને આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી તમામ વિસ્તારોમાં સમાન રીતે પાણી પહોંચાડી શકાય. આ નિર્ણયથી ઉનાળાના દિવસોમાં પાણીની સમસ્યા ઘણી હદ સુધી ઘટશે અને શહેરવાસીઓને મોટી રાહત મળશે.


