અમદાવાદ : અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનનો હચમચાવી દેતો બનાવ બન્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રાતે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને એક કારચાલકે ટક્કર મારી હતી, અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેમાં પતિનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે, તો પત્નીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. બનાવ અંગે એલ ડિવિઝન પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાત્રે 11:30 વાગ્યાની આસપાસ ચાંદખેડામાં જનતાનગરમાં આવાસ યોજનાના મકાનમાં રહેતો કિશન વછેટા નામનો 28 વર્ષનો યુવક પત્ની કોમલ સાથે બલોલનગરથી ન્યૂ રાણીપ થઈ ચાંદખેડા તરફ જતો હતો. આ દરમિયાન બલોલનગરબ્રિજ પર કિશનના એક્ટિવાને એક ફોર-વ્હીલરચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી.આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારની ટક્કર બાદ પતિ બ્રિજ પરથી સીધો નીચે પટકાયો હતો.અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જ્યારે કિશનનાં પત્ની કોમલને કમરના ભાગે ઇજા થઈ હતી. બ્રિજ પરથી નીચે પટકાવાને કારણે કિશનને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જોકે સારવાર દરમિયાન કિશનનું મોત થયું છે. આ બનાવ અંગે એલ ડિવિઝન ટ્રાફિક-પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો તપાસ શરૂ કરી છે.


