અમદાવાદ : શહેરમાં ખાણી-પીણીના શોખીનોના આરોગ્ય સાથે ચેડાં કરતા એકમો વિરુદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. ખાસ કરીને ‘એનાલોગ પનીર’ (નોન-ડેરી પ્રોડક્ટ) ના વધતા ઉપયોગને ધ્યાને રાખીને તંત્ર દ્વારા હાથ ધરાયેલા ચેકિંગમાં ગંભીર ક્ષતિઓ બહાર આવતા બે જાણીતી રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે અને શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
AMC ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન વસ્ત્રાલમાં આવેલી ‘ભૈરવનાથ પંજાબી તડકા’ નામની રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી હતી. આ એકમમાં પનીરના પ્રકાર અંગેનું ફરજિયાત ડિસ્પ્લે કાર્ડ નહોતું અને તેની પાસે ફૂડ સેફ્ટી લાયસન્સ પણ ઉપલબ્ધ નહોતું. બીજી તરફ, નવરંગપુરા પોલિટેકનિક પાસે આવેલી ‘પંજાબ દી મહેક’ રેસ્ટોરન્ટના રસોડામાં અત્યંત ગંદકી અને જીવાત જોવા મળતા, અનહાઇજેનિક કન્ડિશનને કારણે તેને પણ તાત્કાલિક અસરથી તાળા મારી દેવામાં આવ્યા છે.
ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહના જણાવ્યા મુજબ, ગોતા વિસ્તારમાં વિશ્વાસ સીટી-6 માં આવેલી ક્રિષ્ના ડેરીમાંથી 140 કિલો અને નરોડાની રાધે ડેરીમાંથી 104 કિલો મળી કુલ 244 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટર મિલ્ક પનીરને બદલે એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે, તો તેણે મેનૂ કાર્ડ પર ગ્રાહકોને સ્પષ્ટપણે જાણ કરવી પડશે.પનીરના નામે એનાલોગ પનીરનું વેચાણ કરનારા તેમજ નાગરિકોને ગેરમાર્ગે દોરનારા લોકો તેમજ બિન આરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ કરનારા વિરુદ્ધ અમે કાર્યવાહી કરીશું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા 3 એપ્રિલથી 7 એપ્રિલ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પનીરના 69, દૂધની બનાવટના 52, નોનવેજ પ્રોડક્ટ્સના 25, બેકરી પ્રોડક્ટસના 6, શેરડીના રસના ત્રણ અને અન્ય 29 એમ અલગ અલગ કુલ 188 જેટલા ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા છે. 452 ધંધાકીય એકમોમાં તપાસ કરવામાં આવી છે જેમાંથી 235ને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 199 કિલો અને 318 લિટર અખાતે જથ્થો નાશ કરવામાં આવ્યો છે.નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને ગેરમાર્ગે દોરનારા એકમો વિરુદ્ધ આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ તેજ કરવામાં આવશે.


