અમદાવાદ : અમદાવાદમાં ચાની લારીઓ અને દુકાનો પર પેપર કપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરના સફાઈ અને ગંદકી મામલે કડક કાર્યવાહીના આદેશ બાદ હવે શહેરમાં આવેલા ચાની કીટલીઓ અને દુકાનો પર પેપર કપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હવે ચાની કીટલીઓ અને દુકાનો પર ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ પાનના ગલ્લે વેચાતી પ્લાસ્ટિકની પન્નીઓ પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સૂત્રોનું માનીએ તો આગામી 20 જાન્યુઆરી સુધી દરેક ચાની કીટલી અને પાનના ગલ્લા પર તપાસ કરી અને તેઓને આ પેપર કપ અને પ્લાસ્ટિકની પન્ની ન વાપરવા માટે જાણ કરવામાં આવશે અને સમજાવવામાં આવશે. ત્યારબાદ જે પણ ચાની કીટલી કે દુકાન પર પેપર કપ મળી આવશે તો તે ચાની કીટલી અને દુકાનને સીલ કરી દેવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, કાગળમાંથી બનેલા યૂઝ એન્ડ થ્રો કપમાં ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને જો કોઈ વ્યક્તિ તેમાં આ કપમાં દિવસમાં ત્રણ વાર ચા પીવે તો તેના શરીરમાં પ્લાસ્ટિકના 75 હજાર સુક્ષ્મ કણ ચાલ્યા જાય છે. જેથી AMC દ્વારા આ બાબતે કડકાઈ દાખવવામાં આવી છે.