અમદાવાદ : અમદાવાદીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીના રોજ ફરી ચોગ્ગા-છગ્ગાની આતશબાજી જોવા મળશે. આજથી 8 દિવસ બાદ એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ IND vs NZ વચ્ચે ત્રીજી ટી-20 મેચ રમાશે.
27 જાન્યુઆરીથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 સિરીઝ શરુ થવા જઈ રહી છે. 3 મેચની આ ટી-20 સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ અમદાવાદના વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. આ મેચને લઈને અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચમાં સ્ટેડિયમના સ્ટાફથી લઈને અમદાવાદ પોલીસ તંત્રેએ તૈયારી શરુ કરી દીધી છે. આ મેચની ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ શરુ ગઈ છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 મેચ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ Bookmyshow પર શરુ થયું છે. ટિકિટના ભાવ 500 રુપિયાથી લઈને 10,000 રુપિયા સુધી છે. સોમવારથી શરુ થયેલી ઓનલાઈન બુકિંગમાં ફટાફાટ ટિકિટ વેચાઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 500, 1000, 2000, 2500, 4000, 6000 તેમજ 10000 રૂપિયાની એક વ્યક્તિની ટિકિટ મળશે.
ત્રીજી ટી-20 મેચ માટે ટિકિટ બુક કરાવતી વખતે તમે 10 જેટલી ટિકિટ બુક કરી શકશો. મેચના દિવસે તમને સાંજે 4 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. એક વાર સ્ટેડિયમમાં ટિકિટ લઈને પ્રવેશ કર્યા બાદ તમને ફરી તે ટિકિટ પર સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહીં. જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ ત્રીજી ટી-20 સાંજે 7 વાગ્યે શરુ થશે.