અમદાવાદ : ગુજરાતમાં મિશ્ર ઋતુની સ્થિતિમાં રોગચાળાના હાઉ વચ્ચે કોરોના ફરી ભૂરાયો થતો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. તો બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ઉછાળા સાથે નવા 24 કેસ નોંધાયા છે. જ્યારે ઘણા સમય બાદ આજે કોરોનાથી સુરતમાં એક દર્દીનું મોત નિપજ્યું છે.
આજે આરોગ્ય તંત્ર દ્વારા સતાવાર રીતે જાહેર કરાયેલી વિગત અનુસાર ગુજરાતમાં નવા 24 કેસ, અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 4, મહેસાણામાં 3, રાજકોટમાં 3, અમરેલીમાં 1, વડોદરામાં 1, સાબરકાંઠામાં 1 નવો કેસ નોંધાયા છે.
મહત્વનું છે કે, રાજ્યમાં જ્યાં પહેલા બે-પાંચ કેસો આવતા હતા ત્યાં હવે 20થી વધુ કેસો સામે આવવા લાગ્યા છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 99.12 ટકા છે. જ્યારે આજે 08 દર્દીઓ સાજા થયા થઈને ઘરે પહોંચ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી 12,66,674 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો રાજ્યમાં કુલ 151 એક્ટિવ કોરોના કેસ છે. જ્યારે વેન્ટીલેટર પર 1 પર છે. આ તમામ દર્દીઓમાં 150ની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 11047 લોકોના મોત થયા છે.