અમદાવાદ : ખુદને PMOના અધિકારી ગણાવતા અને ઝેડ પ્લસ સિક્યોરિટીમાં ફરતો મહાઠગ કિરણ પટેલને ગત મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને અમદાવાદ પોલીસને સોંપી દેવાયો હતો.જમ્મુ કાશ્મીર પોલીસની કસ્ટડીમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તેને ટ્રાન્સફર વોરેન્ટથી ધરપકડ કરીને અમદાવાદ લઈ આવ્યા હતા અને હવે તેની બંગલો પચાવી પાડવાના કેસમાં ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ મહાઠગ કિરણ પટેલને શ્રીનગરથી અમદાવાદ લવાયા બાદ તેની આકરી પૂછપરછ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ ઠગ કિરણ પટેલને આજે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગશે. જો કે અત્યાર સુધીમાં ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ખુલાસો થયો છે કે કાશ્મીરના એક મોટા અધિકારીએ કિરણ પટેલને સિક્યોરિટી આપવા મૌખિક રીતે ભલામણ કરી હતી, પરંતુ કિરણ પટેલને Z+ સિક્યોરિટી મળી નહોતી. તેને માત્ર 5થી 6 સિક્યોરિટીના માણસો જ મળ્યા હતા. મહત્વનું છે કે મહાઠગ કિરણ પટેલ છેલ્લા 6 માસમાં 4 વખત કાશ્મીર ગયો હતો. કિરણ પટેલે અમિત પંડ્યા, જય સીતાપરાની કાશ્મીરના અધિકારીઓ સાથે મુલાકાત કરાવી હતી.
કાશ્મીરના અધિકારીઓને કિરણ પોતાની ઓળખ PMOના અધિકારી તરીકે આપતો હતો. પહેલી વખત કિરણ પટેલ 2022માં 25થી 27 ઓક્ટોબર કાશ્મીર ગયો હતો. બીજી વખત 2023માં 6થી 8 ફેબ્રુઆરીના કાશ્મીર ગયો હતો. ત્રીજી વખત 2023માં 24થી 24 ફેબ્રુઆરીએ કાશ્મીર ગયો હતો. જ્યારે ચોથી વખત 2023માં બીજી માર્ચે કાશ્મીર ગયો હતો.