ગાંધીનગર : એકબાજુ IPL ચાલી રહી છે ત્યારે દરેક મેચ પર સટ્ટા બજાર ખુબ જ ગરમ છે ઓનલાઇન સટ્ટા વધી ગયા છે તેવી સ્થિતિમાં ગાંધીનગરના રાંદેસણની સ્કિમના પેન્ટ હાઉસમાં બોકીના સાગરીતો સટ્ટાનું રેકેટ ચલાવતા હોવાની બાતમી મળતા LCB ની ટીમે ગઇકાલ રાત્રીએ દરોડો પાડયો હતો. દરોડો પાડતા દોડધામ મચી ગઇ હતી અને પોલીસે અહીંથી ૫૦થી વધુ મોબાઇલ-અનેક સીમકાર્ડ, હિસાબોના ચોપડા અને લેપટોપ સહિત 17 જેટલા સટ્ટોડિયાઓને ઝડપી પાડયા હતા. જેઓ બુકીઓના સાગરીત હોવાનું પોલીસ જણાવી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગરના રાંદેસણમાં આવેલી મારૃતી મેગ્નમ નામની સ્કીમના પાંચમાં માળે પેન્ટ હાઉસ ખાતે સટ્ટો રમાઇ રહ્યો હોવાની બાતમી મળતા ગાંધીનગર LCBની ટીમે ગઇકાલે રાત્રે મેચ ચાલી રહી હતી તે દરમ્યાન દરોડો પાડયો હતો. જેને લઇને અહીં દોડધામ મચી ગઇ હતી. એટલુ જ નહીં, પોલીસ પણ અંદર સટ્ટાનું રેકેટ જોઇને ચોંકી ગઇ હતી અને અહીંથી 17 જેટલા સટ્ટોડિયાઓને પકડી પાડયા હતા. જયારે ત્રણ સટ્ટોડિયાઓને વોન્ટેડ જાહેર કરાયા હતા. આ સટ્ટોડિયાઓ રાજસ્થાનના મુખ્ય બુકી રવિ માળી અને જિતુ માળીના સાગરીતો હોવાનું પાલીસ જણાવી રહી છે.
આરોપીઓની પૂછપરછમાં એ ખુલાસો થયો છે કે પકડાયેલા તમામ આરોપીઓ રાજસ્થાનના છે. સટ્ટા નેટવર્ક વધારવા માટે દેશના અલગ અલગ ખૂણામાંથી યુવાઓને હાયર કરતા હતા અને એપ્લિકેશનની તાલીમ આપવા માટે દુબઈ મોકલવામાં આવતા હતા, જે યુવકોને સટ્ટો રમાડવા માટે જે યુવાઓને હાયર કરવામાં આવે તેને પગાર આપવામાં આવતો હતો.સમગ્ર સટ્ટાકાંડનું કનેક્શન દુબઈ સાથે જોડાયેલ હોવાની પોલીસને વિગતો મળી છે.