અમદાવાદ : આજે વહેલી સવારે સરદાર પટેલ રિંગ રોડ પરઅકસ્માત થયો હતો. ડમ્પર ચાલકે ઓવર સ્પીડના કારણે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે રસ્તા પર આવેલી દુકાનમાં ડમ્પર ઘૂસી ગયું હતું. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વસ્ત્રાલ રિંગ રોડ ઓર RFA કેમ્પની સામે વહેલી સવારે 7 વાગે એક ડમ્પર પૂરપાટ ઝડપે જઈ રહ્યું હતું. ત્યારે ઓવર સ્પીડથી ચાલી રહેલા ડમ્પર પરથી ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો. ડમ્પર સીધું રસ્તાની બાજુમાં આવેલી લારી સાથે અથડાયું અને દુકાનમાં ઘૂસી ગયું હતું. જેના કારણે દુકાનના પતરા તૂટ્યા અને દુકાનનું નુકસાન થયું હતું.
આ અકસ્માત દરમિયાન ડમ્પરચાલક ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સવારનો સમય હોવાથી લોકોની અવજવર ખૂબ ઓછી હતી. જેના કારણે અન્ય કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી. પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી હતી. JCB વડે ડમ્પર બહાર કાઢવામાં આવ્યું હતું.