અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા નવનિર્મિત “અમર કક્ષ”નું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ”નું આજે લોકાર્પણ કર્યું હતુ. અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ” ભવિષ્યમાં અનેક લોકોને અંગદાન માટેની પ્રેરણા આપશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા 2.5 વર્ષમાં અંગદાન ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવામાં આવી છે જે ધન્યતાને પાત્ર છે.સિવિલ હોસ્પિલમાં થયેલ 109 અંગદાન દ્વારા 330 જેટલા જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું હોવાનું જણાવીને સિવિલ હોસ્પિટલનો સેવાયજ્ઞ આજે સમગ્ર રાજ્યમાં મહાયજ્ઞ બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતુ. અમદાવાદ સિવિલ હોસ્પિટલની પહેલના કારણે આજે સમગ્ર રાજ્યમાં અંગદાન વેગવંતુ બન્યું હોવાનું પણ મંત્રીએ જણાવ્યું હતું.
આ અમર કક્ષમાં સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં થયેલ 109 અંગદાનના અંગદાતાઓની તસ્વીર અંકિત કરવામાં આવી છે. વધુંમા આ કક્ષમાં એક કાઉન્સેલીગ રુમ પણ બનાવાયો છે. જ્યાં બ્રેઇનડેડ દર્દીઓના સ્વજનોનું અંગદાન માટે કાઉન્સેલીગ કરવામાં આવશે. આ કક્ષમાં અંગદાન માટે પ્રેરતા, સકારાત્મક વાતાવરણ ઉભું કરતા લેખ, સુત્રો, આર્ટિકલ્સ, મીડિયા કવરેજ પણ પ્રતિબીંબત કરાયા છે જેને વાંચીને લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ વધશે.
સરકાર, સમાજ, સેવાભાવી સંસ્થા અને મીડિયાના સહિયારા પ્રયાસોથી જ આજે રાજ્યભરમાં અંગદાનની જાગૃકતા પ્રવર્તી છે. પરિણામે અંગદાનની સુવાસ આજે ખુણે ખુણા સુધી પહોંચી છે. અંગદાન ક્ષેત્રે અંગદાતાઓને શ્રધ્ધાજંલિ અર્પણ કરતું સમગ્ર દેશમાં સંભવિત પ્રથમ મેમોરીયલ હોવાનું સિવિલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતુ.