અમદાવાદ : અમદાવાદના પ્રખ્યાત જગન્નાથ મંદિરેથી આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે. તે પૂર્વે વહેલી સવારે 4 વાગે મંદિરમાં ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાનના દર્શન કરીને મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ મંગળા આરતીનો લાભ લીધો હતો.
અમદાવાદમાં આજે યોજાયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનના દર્શન કરવા ભક્તો તલપાપડ જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર ભગવાનનું સ્વાગત કરવામાં આવશે. સવારે 4 વાગે મંગળા આરતી યોજાયા બાદ સવારે 6.30 વાગે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવશે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. વહેલી સવારથી જ ભક્તો મંદિરમાં મંગળા આરતીનો લાભ લેવા પહોંચ્યા હતા. મંગળા આરતી બાદ ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાયો હતો.
સવારે 7 વાગે મુખ્યમંત્રી પહિંદ વિધી કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બીજી વખત જગન્નાથ મંદિર પહોંચી પહિંદ વિધિ કરવા જઇ રહ્યા છે. રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે, તે વિધિને પહિંદવિધિ કહેવામાં આવે છે.ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ રથમાં બિરાજમાન થઇને નગરચર્યાએ નીકળશે.