અમદાવાદ: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ શાળામાં નમાજ પઢાવવ્યાનો વીડિયો વાયરલ થયા બાદ ચર્ચાનો વિષય બન્યો છે. આજે સવારથી જ વાલીઓ અને હિન્દુ સંગઠનના કાર્યકરો શાળામાં વિરોધ કરી રહ્યા હતા. ત્યારે ABVPનાં કાર્યકરોએ શાળાના શિક્ષકને દોડાવી દોડાવીને માર પણ માર્યો હતો. આ આખા વિવાદ બાદ શાળાના પ્રન્સિપાલે માફી પણ માંગી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ શાળામાં નમાઝનો વીડિયો વાયરલ થતા હિંદુ સંગઠનોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓ અને હિંદુ સંગઠનોએ શાળામાં પહોંચી વિરોધ કર્યો હતો. ABVPના કાર્યકરોએ નમાઝ પઢાવનારા શિક્ષકને બેરહેમીથી માર માર્યો હતો. જો કે વિવાદને પગલે શાળા તંત્ર દ્વારા નમાઝના કાર્યક્રમ બદલ માફીનામુ પણ જાહેર કરવામાં આવ્યુ છે. સમગ્ર વિવાદ પર શાળા દ્વારા માફી માગી લેવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તેવી શાળા દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. માફીનામામાં પણ આવી ભૂલ ન થાય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નમાઝનો વિવાદ સામે આવ્યા વાલીઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે. વાલીઓનું સ્પષ્ટ કહેવુ છે કે મદરેસાઓમાં જો ક્યારેય ગીતાના શ્લોક શીખવવામાં ન આવતા હોય તો હિંદુ શાળાઓમાં પણ નમાઝ ન પઢાવવી જોઈએ. હિંદુઓની સ્કૂલમાં ગીતાના શ્લોક ચાલે. જો કે એક વાલીનો એવો પણ આક્ષેપ છે કે કેલોરેક્સ સ્કૂલ દ્વારા તેમણે નથી જોયુ કે ક્યારેય વિદ્યાર્થીને ગીતાનો એકપણ શ્લોક શીખવવામાં આવ્યો હોય. તો નમાઝ પણ શા માટે તેવો સવાલ પણ વાલીઓ ઉઠાવી રહ્યા છે.
સમગ્ર મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે સ્કૂલને કારણદર્શક નોટિસ પાઠવી છે, જેમાં જણાવ્યું છે કે આપની શાળાનો આજરોજ વાઈરલ થયેલા વીડિયોમાં જે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડતો હોઈ, બાળકોના માનસ પર વિપરીત અસર થઈ શકે છે, જે બદલ આપ શું કહેવા માગો છો? એ અંગેનો લેખિત ખુલાસો આજે 5 વાગ્યા સુધીમાં કરવા સૂચિત કરવામાં આવે છે.


