વિસનગર : વર્તમાન સમયમાં આટલી મોંઘવારીમાં હોસ્પિટલમાં સારવારનો ખર્ચ સામાન્ય માણસ પરવડે નહી. હોસ્પિટલનાં ખર્ચથી લોકો થાકી જાય છે. હોસ્પિટલનાં મોટા બીલ લોકોનાં ખીસ્સા ખાલી કરી નાખે છે. ત્યારે મહેસાણા જિલ્લાની વિસનગરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન કોઈપણ રોગના દર્દીને નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા વિનામૂલ્યે તપાસ- નિદાન અને અન્ય સેવાઓ ખૂબ જ રાહત દરે આપવાનું આયોજન કરાયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સ્થાપક, સ્વાતંત્ર સેનાની અને સામાજિક કાર્યકર સ્વ. સાંકળચંદ પટેલ (દાદા)ની પૂણ્યતીથિ નિમિત્તે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન વિસનગરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન કોઈપણ રોગના દર્દીને નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા વિનામૂલ્યે તપાસ- નિદાન અને અન્ય સેવાઓ ખૂબ જ રાહત દરે આપવાનું સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ સહિત ટ્રસ્ટીગણે આયોજન કર્યું છે.
સ્વ.સાંકળચંદ દાદાની પૂણ્યતિથિ નિમિત્તે વિસનગરની નૂતન હોસ્પિટલમાં સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન કોઈપણ રોગના દર્દીને નિષ્ણાંત ડોક્ટર દ્વારા વિનામૂલ્યે તપાસ અને નિદાન કરાશે. એક્સરે, કાર્ડિયોગ્રામ (ઇસીજી) નિયત કરેલ બ્લડ રિપોર્ટ, ડાયાબીટિસ માટે આરબીએસ, કિડની માટે એસ.ક્રેટીને, લીવર માટે એસજીપીટી સહિત રિપોર્ટ વિનામૂલ્યે થશે.
આ ઉપરાંત દર્દીને દાખલ થાય તો રહેવાની તેમજ જવાની તેમજ જેનરિક દવા મફત આપવામાં આવશે. મોતિયાના સાદા ઓપરેશન, ડિલિવરી, નાક, કાન અને ગળા તેમજ હાડકાના કે અન્ય પ્રકારના ઓપરેશન વિના મૂલ્યે થશે.


