અમદાવાદ : હવે રાજ્યમાં કોરોના કેસ નહિવત્ સામે આવી રહ્યાં છે. તો રાજ્યમાં કોરોનાને લીધે લાગેલા તમામ પ્રતિબંધો પણ દૂર કરી દેવામાં આવ્યા છે. રાજ્યના કોઈપણ શહેરમાં કર્ફ્યૂ સહિતના પ્રતિબંધો હટી ગયા છે. દુકાનો, રેસ્ટોરન્ટ, સિનેમા, ફરવાના સ્થળો ધામધૂમથી ચાલી રહ્યાં છે. તો સામાજિક પ્રસંગો સહિત અન્ય પ્રસંગોમાં હાજરીની કોઈ મર્યાદા નથી. પરંતુ આ વચ્ચે લોકોને એક સવાલ છે કે માસ્ક ક્યારે હટશે ? માસ્કને લઈને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહત્વની વાત કહી છે.
ગુરુવારે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ હતું કે, રાજ્યમાં કોરોનાને લગતા તમામ નિયમો હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ હાલના તબક્કે તમામ લોકોએ માસ્ક ફરજીયાત પણે પહેરવું પડશે. રાજ્ય સરકારે હજુ માસ્કમાંથી મુક્તિ આપી નથી. ચીન જેવા દેશમાં ફરી કોરોના કેસ વધી રહ્યાં છે. ત્યારે કોરોનાની ચોથી લહેરની પણ આશંકા રહેલી છે. તેવામાં રાજ્ય સરકાર હાલ માસ્કમાં છુટ આપશે નહીં.