ગાંધીનગર : અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ અનેક દિગ્ગજ નેતાઓ અયોધ્યા જવાની જાહેરાત કરી છે. જાણવા મળી રહ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનાં સભ્યો ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે અયોધ્યા જશે.
24 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત સરાકરે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. જે અનુસાર ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યો અયોધ્યા રામ મંદિર દર્શને જશે. આગામી 24 અથવા 25 ફેબ્રુઆરી ના દિવસે મંત્રી મંડળ અયોધ્યાના પ્રવાસે જશે. અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા બાદ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનાં સભ્યો ભગવાન શ્રીરામના દર્શન કરશે.
રાજ્યમાં ફેબ્રુઆરીના પ્રારંભે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવાનું છે. જાણકારી મુજબ બીજી ફેબ્રુઆરીએ રાજ્યનું 2024-25ના વર્ષનું સામાન્ય બજેટ રજૂ થવાનું છે. અને સત્ર 29મી ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણી આવતી હોવાને કારણે આ સત્રના દિવસો ટૂંકાવી 24 કરી દેવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, રામ મંદિરના ઉદ્દઘાટન પછી ગુજરાતમાંથી ભાજપના ટોચના નેતાઓ, પ્રદેશ પદાધિકારીઓ, ધારાસભ્યો અને પ્રમુખ કાર્યકરો અયોધ્યામાં રામમંદિરની મુલાકાત લેવાના છે.