અમદાવાદ : આજકાલ દેશમાં ડિજિટલ ઈન્ડિયા યોજનાને જોતા સરકારે દરેક વસ્તુ ડિજિટલ કરી દીધી છે. પરંતુ હવે ઘરે બેસીને પાસપોર્ટ આરામથી કાઢી શકશો. આજકાલ કોઈપણ કામ માટે 10 વખત પાસપોર્ટ ઓફિસના ચક્કર કાપવા પડે છે. અમદાવાદમાં ટૂંક સમયમાં હરતીફરતી વાનમાં મળશે પાસપોર્ટની સર્વિસ. તેના લીધે પાસપોર્ટ ઓફિસના વારંવારના ધક્કા ખાવા નહી પડે. આ સર્વિસના લીધે ખાસ કરીને વૃદ્ધોને રાહત થશે. વિદેશ મંત્રાલય તરફથી ટૂંક સમયમાં પાસપોર્ટ સર્વિસ શરૂ થશે.
આ હરતીફરતી વાન પાસપોર્ટની જેમ જ સગવડ આપશે. વાનમાં પાસપોર્ટ ઓફિસની જેમ જ દસ્તાવેજ સ્કેન કરી ફિંગર પ્રિન્ટ અને ફોટો લેવામાં આવશે. તેમા કેટલી એપોઇન્ટમેન્ટ લેવી, કેટલી વાન અમદાવાદને મળશે તેને લઈને આગામી સમયમાં પોલિસી બનશે એટલે તેના મેપિંગના આધારે ખબર પડશે. પાસપોર્ટ વાનમાં એક અનુભવી કર્મચારી અને એક ટીસીએસ હાજર રહેશે. ફાઇલ પાસપોર્ટ ઓફિસના ગ્રાન્ટિંગ ઓફિસર મંજૂર કરશે. આમ પાસપોર્ટ માટેની જે મોટાભાગની પ્રક્રિયા ઓફિસમાં જઈને કરવામાં આવે છે તે પ્રક્રિયા મુખ્યત્વે પાસપોર્ટ વાનમાં જ પૂરી થઈ જશે. ઓફિસે ખાલી અંતિમ સહી અને મંજૂરી માટે જવું પડશે.
અમદાવાદમાં પહેલી વખત જ હરતીફરતી પાસપોર્ટ સેવા માટેની સર્વિસ એક્સેલન્સ વાન શરૂ થતાં પાસપોર્ટ ઓફિસમાં પડતો લોડ ઓછો થશે. શહેરોમાં આ રીતે પાસપોર્ટ સેવા વાન શરૂ થવાના પગલે લોકોએ પાસપોર્ટ ઓફિસના બિનજરૂરી ધક્કા ખાવા પડશે નહીં. આના લીધે લોકોના સમયમાં નોંધપાત્ર બચત થશે.વિદેશ મંત્રાલયના આ પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ દેશમાં પુણે, ચંદીગઢ અને પછી અમદાવાદમાં આ પ્રકારની હરતીફરતી પાસપોર્ટ વાન સર્વિસ શરૂ થશે. આઇટી કંપની ટીસીએસે બનાવેલી પાસપોર્ટની આ વાનને અમદાવાદ રિજનલ પાસપોર્ટ સર્વિસ ખુલ્લી મૂકશે.
આ પાસપોર્ટ વાન અમદાવાદ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પાસપોર્ટની અરજી વધારે આવતી હોય ત્યાં ફરતી રહેશે. આમ ઓનલાઇન એપ્લિકેશનનું ભારણ વધી જાય ત્યારે આ વાન સારો વિકલ્પ પૂરો પાડશે અને બેકલોગ જમા થવા દેશે નહીં. તેમા પાસપોર્ટમાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ નોંધાવશો ત્યારે વેનનો વિકલ્પ પણ અપાશે. વાન કયા વિસ્તારમાં કેટલા વાગ્યા સુધી હાજર રહેશે તે વિસ્તારમાં એપોઇન્ટમેન્ટ બુક કરતાં અરજદારોએ વેનનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.