અમદાવાદ : ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાના રાજ્ય સરકારના અતિ ચર્ચાસ્પદ નિર્ણયને પડકારતી રિટ પિટિશન હાઇકોર્ટ સમક્ષ દાખલ કરી દેવામાં આવી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હટાવી દેવાનો નિર્ણય કરી શકાય નહીં. સરકારનો નિર્ણય અયોગ્ય છે અને ગિફ્ટ સિટી અને ગાંધીનગરમાં જમીનના ભાવો ઊંચા લાવવા માટે આવો નિર્ણય કરવામાં આવ્યો છે. જો દારૂબંધી દૂર કરી દેવામાં આવશે તો ગુજરાતમાં મહિલાઓ સામેના ગુના ઉપરાંત ડ્રીંક એન્ડ ડ્રાઇવ સંબંધિત ગુનામાં વધારો થઈ શકે છે. જેથી દારુની છૂટનો નિર્ણય પાછો લેવા માટે માંગ કરવામા આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગીર સોમનાથ જિલ્લાના સામાજિક કાર્યકર ઈરફાન જુસબભાઈ ભગાણીએ એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં આ રિટ દાખલ કરી છે. આ રિટમાં એવી દલીલ કરાઈ કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હટાવવાનો નિર્ણય ન કરી શકાય. ગિફ્ટ સિટી અને ગાંધીનગરમાં જમીનોના ભાવ ઉંચા લાવવા માટે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.
સાથે અરજીમાં એવી રજૂઆત કરાઈ કે, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકોને કોઈપણ પ્રકારના નિયંત્રણ વિના દારૂ પીવાની છૂટ મળી છે. સમગ્ર રાજ્યમાં દારૂનું સેવન, વેચાણ અને પરિવહન પ્રતિબંધિત છે. ગિફ્ટ સિટીમાં દારૂના પ્રતિબંધમાં છૂટછાટ શ્રીમંતોને લાભ પહોંચાડવા અને રિઅલ એસ્ટેટના ભાવમાં વધારો કરવા માટે આપવામાં આવી છે. તો બીજી તરફ, ગિફ્ટ સિટી ક્લબના સભ્યો બનવાની માંગ વધી છે. અન્ય રાજ્યોમાં દારૂની છૂટછાટ છે ત્યાં ગુનાખોરી વધુ છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સા વધારે છે. આવામાં ગુજરાતમાં પણ આવી સ્થિતિ આવી શકે છે.
તેમજ રજૂઆતમાં એમ પણ જણાવાયું કે, ગિફ્ટ સિટીમાં હોટલો અને અન્ય સ્થળોનું સંચાલન રાજકીય વગદારો દ્વારા કરવામાં આવતું હોવાથી તેમને લાભ થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત ચૂંટણી દરમિયાન પણ મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થાય છે. જો દારૂબંધીમાંથી મુક્તિ આપવામાં આવે તો આગામી ચૂંટણીઓ પણ પ્રભાવિત થઇ શકે છે. તેથી દારૂબંધીની છૂટછાટ આપતો પરિપત્ર રદ થવો જોઈએ.