અમદાવાદ : અમદાવાદીઓ કેટલાય સમયથી રાહ જોતા હતા તે જલારામ મંદિર અંડરપાસનું આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયુ છે. અમદવાદમાં પાલડીમાં જલારામ મંદિર પાસે તૈયાર કરવામાં આવેલા ‘સ્વ. ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ’ અન્ડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત આજે કુલ રૂ. 641 કરોડના પ્રોજેક્ટોનું લોકાર્પણ, ખાતમુહુર્ત, આવાસોના ડ્રો, અને બોન્સાઈ અને ટોપીયરી શોનો પ્રારંભ કરવામાં આવશે અને UHC અને ICDSમાં પસંદ કરાયેલ ઉમેદવારોને નિમણૂંક પત્રો આપવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના CM ભુપેન્દ્ર પટેલએ આજે સવારે કચ્છી જૈન ભવન પાસે તૈયાર કરવામાં આવેલા પાલડીમાં ‘સ્વ. ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ’ અંડરપાસનું લોકાર્પણ કરીને અમદાવાદીઓને ભેટ આપી છે. આ પાલડી અંડરપાસ પાલડી ક્રોસ રોડને લૉ ગાર્ડન સાથે જોડે છે, આંબાવાડી, લૉ ગાર્ડન, પાલડી તથા નવરંગપુરાના રહેવાસીઓ માટે સારી કનેક્ટિવિટી પ્રદાન કરવામાં મદદ કરશે. લોકોને ટ્રાફિકમાંથી થોડીક રાહત પણ મળશે.
આ અંડર પાસ અંદાજે 83 કરોડના ખર્ચે બન્યો છે. લગભગ ત્રણ વર્ષથી અંડર પાસનું કામ ચાલી રહ્યું છે. જલારામ મંદિરથી લો ગાર્ડન તરફ ટ્રાફિકની મુશ્કેલી દૂર થશે.બીજી તરફ અમદાવાદ-બોટાદ રેલવે લાઈનની ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે. 4 લેનના આ અંડર પાસની લંબાઈ 450 મીટર અને પહોળાઇ 16.6 મીટર છે. આ અંડરપાસનો કુલ 83 કરોડનો આવ્યો છે.