અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલમાં મારપીટ અને તોડફોડની ઘટનાના રાષ્ટ્રીય કક્ષાએ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સમગ્ર મામલે તાત્કાલિક બેઠક બોલાવી હતી જેમાં CP અન DCP કક્ષાના અધિકારીઓ સાથે વાત કરી હતી અને તાત્કાલિક આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે સોલામાં રહેતા હિતેશ મેવાડા અને વસ્ત્રાલમાં રહેતા ભરત પટેલની ધરપકડ કરી છે.બંનેને ગુજરાત યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસે હાલ 7 આરોપીની ઓળખ કરી લીધી છે.સમગ્ર મામલે પોલીસની કુલ નવ ટીમ તપાસ કરી રહી છે.આ મામલાની વિદેશ મંત્રાલયે પણ નોંધ લીધી હતી ને 20 વ્યક્તિના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.ટેકનિકલ સર્વિલન્સ તથા હ્યુમન સોર્સની મદદથી પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ બોઈઝ હોસ્ટેલમાં ગત રાત્રીનાં સુમારે ઉઝબેકિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાના કેટલાક વિદ્યાર્થીઓ જેઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેઓ રમઝાન મહિનો ચાલી રહ્યો હોઈ નમાઝ પઢી રહ્યા હતા. ટોળામાં આવેલ કેટલાક લોકો તેમજ વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ મામલો વધુ ઉગ્ર બનતા ટોળાએ હોસ્ટેલમાં તેમજ વિદ્યાર્થીઓનાં વાહનોમાં તોડફોડ કરી હતી. જે બાદ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટનાં સ્થળે આવી પહોંચી હતી.