અમદાવાદ : વિશ્વની સૌથી મોટી ક્રિકેટ પ્રીમિયર લીગ IPLની 17મી સીઝન શરૂ થઈ ગઈ છે, જેમાં ગુજરાત ટાઇટન્સની ત્રણ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આવતીકાલે 24 માર્ચના રોજ સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ રમાવાની છે. એને લઈને ક્રિકેટરસિકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટિકિટ લેવા માટે સ્ટેડિયમ પર સવારથી જ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ટિકિટ પેટીએમ ઈન્સાઈડર અથવા બુક માય શો દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પર 70 ટકાથી ઉપર ટિકિટનું બુકિંગ થઈ ચૂક્યું છે. જેથી ગુજરાત ટાઇટન્સની પહેલી મેચ હોવાને પગલે ક્રિકેટરસિકો ઓનલાઇન ટિકિટ બુક કરાવી ફિઝિકલ ટિકિટ મેળવવા માટે પહોંચ્યા હતા. માત્ર ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત જ નહીં, પરંતુ ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોનાં વિવિધ શહેરોમાંથી પણ લોકો મેચ જોવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટ પ્લેયરોની ટી-શર્ટ અને ટોપીનું ધૂમ વેચાણ શરૂ થયું છે. એક ટી-શર્ટના 200 રૂપિયાથી લઈ 300 રૂપિયા અને ટોપીના 100 રૂપિયાથી 150 રૂપિયામાં વેચાણ થઈ રહ્યું છે. સૌથી વધારે હાર્દિક પંડ્યા અને રોહિત શર્માની ટી-શર્ટની લોકો ખરીદી કરી રહ્યા છે.