અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં ચાલતા હુક્કાબાર પર તવાઈ બોલાવવામાં આવી છે. PCB દ્વારા મોડી રાત્રે બિગ ડેડી કાફે પર દરોડા પાડવામાં આવ્યા હતા. PCB દ્વારા દરોડા પાડી હુક્કાના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેમાં નશાકારક તત્વો છે કે નહીં તેની તપાસ માટે તેને સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા છે.હવે રિપોર્ટ આવ્યા બાદ આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ PCB દ્વારા ગઇકાલે મોડીરાત્રે 3-00 કલાકે અમદાવાદના શેલામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.બિગ ડેડી કાફેમાં હુક્કાબાર ચાલતુ હોવાની બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. જ્યાં અંદર એક ટેબલ પર ચાર-પાંચ લોકો ભેગા મળીને હુક્કા પી રહ્યા હતા.દરોડા પાડીને આ હુક્કાબારમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા છે. ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી કે સિંધુ ભવન રોડ અને શેલા રોડની આસપાસ ગેરકાયદેસર હુક્કાબાર ચાલી રહ્યા હતા.જેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.
આ હુક્કાબારમાં હુક્કામાં નિકોટીનના દ્રવ્યો છે કે નહીં તે અંગેની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને FSLમાં મોકલવામાં આવ્યા છે. આ જગ્યાના CCTV પણ PCB દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે.PCB દ્વારા સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસે અગાઉ હુક્કાબાર પર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે બોડકદેવ વિસ્તારમાં આવેલા રસ્ટી કો કેફે નામના હુક્કાબારમાં દરોડા પાડ્યા હતા. જેમાં હુક્કાબારને લગતા 19 નિયમોનું પાલન ન થતા હુક્કાબારના માલિક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.