પાવાગઢ : હાલમાં ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. જેને લઈને શક્તિપીઠ પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે દૂર દૂરથી પોતાની આસ્થા અને ભક્તિ સાથે આવતા હોય છે. આ વચ્ચે પાવાગઢ ખાતે માઈ ભક્તોને ભાવુક કરી દેતી એક ઘટના બની હતી. જેને વર્ણવવા કે સમજવા માટે કદાચ શબ્દો પણ ઓછા પડે. પિતાના પુત્રી પ્રત્યેના અનેરા પ્રેમનું જીવંત ઉદારહણ ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે જોવા મળ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢ ખાતે પોતાની 16 વર્ષની દિવ્યાંગ દીકરીને ખભે ઉચકીને એક પિતા માતાજીના દર્શન કરાવવા પહોંચ્યા હતા. એક બાજુ આજના સમયમાં લોકો દીકરી જન્મતા તેને ત્યજી દેતા હોય છે, બીજી તરફ એક પિતા છે જે પોતાની દીકરીને માતાજીના દર્શન કરાવવા માટે ખભા પર ઊચકીને બધા પગથિયા ચઢ્યા હતા. એક પિતાની પુત્રી પ્રત્યેના પ્રેમની આવી લાગણીના દ્રશ્યો જોઈને ભક્તો પણ ભાવુક થઈ ગયા હતા.
આણંદના મીંઢળપુરના શ્રમજીવી જન્મથી મુકબધિર અને દિવ્યાંગ 16 વર્ષની દીકરીને લઈને પાવાગઢ આવ્યા હતા. નવરાત્રીમાં દીકરીને માતાજીના આશીર્વાદ અપાવવા માટે 50 વર્ષના શ્રમિક પિતાએ કાળઝાળ ગરમીમાં 40થી વધુ કિલો વજન ઉચકીને દીકરીને માતાજીના દરબાર સુધી લઈ ગયા હતા. આ બાદ દીકરીને દર્શન કરાવ્યા હતા. દીકરીને ખભા પર ઉચકીને જતા પિતાનો વીડિયો પણ સામે આવ્યો છે.
કોઈએ પિતાને પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, હું બીજીવાર મારી દીકરીને માતાજીના દર્શન માટે લઈને આવ્યો છું. મારે બીજું કંઈ કહેવું નથી સાહેબ. જોકે અમે બીજું વધુ કંઈ પણ જાણવા કે પૂછવાની અપેક્ષા પણ વ્યક્ત નહોતી કરી. કેમ કે, જે દ્રશ્યો નજરે જોયા તે ધન્ય છે.