અમદાવાદ : અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં હોમગાર્ડ જવાનો પાસેથી શિફ્ટ મુજબ નોકરી ફાળવવા માટે નરોડા ડિવિઝન 9 અને સિવિલ હોસ્પિટલના GISF ડિવિઝનના ઇન્ચાર્જે રૂપિયા 1500ની લાંચ માગી હતી. જેથી હોમગાર્ડ જવાનોએ ACBને ફરિયાદ કરતાં ટ્રેપ ગોઠવી ડિવિઝન ઇન્ચાર્જ (પ્લાટુન કમાન્ડન્ટ) મનોજ સોલંકીની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ પોઇન્ટ ઉપર હોમગાર્ડ જવાનો હાજર હોય તો પણ કોઇપણ રીતે તેમનો વાંક કાઢી અને હેરાન પરેશાન કરી પૈસાની માગણી કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી. હોમગાર્ડ ડિવિઝન ઇન્ચાર્જ (પ્લાટુન કમાન્ડન્ટ) મનોજ સોલંકીને ફરજ નોકરી વહેંચણી તથા શિફ્ટ મુજબ પોઇન્ટ ફાળવણી કરવાની હોય છે. પરંતુ તેઓ તેનો ગેરલાભ ઉઠાવી હોમગાર્ડો પાસેથી દર માસે વ્યક્તિ દીઠ રૂપિયા 500ની લાંચની માંગણી કરતા હતા. લાંચ મેળવવા માટે અવારનવાર પોઇન્ટ ચેક કરી હોમગાર્ડ જવાન હાજર મળી આવે તો પણ યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી ગમે તે વાંક કાઢી પૈસા આપવા મજબૂર કરતા હતા. જેથી છેવટે હોમગાર્ડ જવાનોએ ACBનો સંપર્ક કરી લાંચિયા અધિકારીને પકડાવ્યો હતો.
દર મહિને રૂપિયા 500ની લાંચ પેટેનો વહેવાર માંગતા હતા. ત્રણ હોમગાર્ડ જવાનના રૂપિયા 1500ની લાંચ માગી હતી. જે લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ACBનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે ACBએ સિવિલ હોસ્પિટલ પાસે જ ટ્રેપ ગોઠવીને મનોજ સોલંકીને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.