ગાંધીનગર : દરેક મા-બાપનું સપનું હોય છેકે, તેમનો દિકરો કે દીકરી ડોક્ટર બને. જોકે, આર્થિક સંકળામણને કારણે તેમજ ઉંચી ફી અને મોંઘા ખર્ચને કારણે ગરીબ અને મધ્યમવર્ગના દીકરા કે દીકરી આ કક્ષા સુધી પહોંચી જ શકતો નથી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે એક ખાસ યોજના આશીર્વાદરૂપ બનશે અને આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના લીધે તેનો આગળનો અભ્યાસ અટકશે નહીં. તો ચાલો વિસ્તારથી જાણીએ આ યોજના વિશે…
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત સરકાર દીકરીઓને સાક્ષરતા ગુણમાં વધારો કરવા માટે અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં લાવી છે. જેમાં 6 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃતિ મળવાપાત્ર છે. આ શિષ્યવૃતિ દર વર્ષે મળવાપાત્ર છે ફક્ત એના માટે આટલી લાયકાત ખૂબ જ જરૂરી છે.મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાં દીકરીઓ માટે સરકાર 4 લાખની આર્થિક સહાય પુરી પડે છે અને આ ઉપરાંત સરકાર મુખ્યમંત્રી યુવા સ્વવલંબન મારફતે બીજા 2 લાખની સહાય આપે છે, આ રીતે રાજ્ય સરકાર દીકરીઓને મેડિકલમાં ઉચ્ચ અભ્યાસ માટે કુલ 6 લાખ સુધીની આર્થિક સહાય આપે છે.
તમને જણાવી દઈએ કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળની ગુજરાતની 13 મેડિકલ કોલેજોની ફીમાં 80 ટકાનો વધારો થયો છે. આ ફી વધારાને કારણે હવે કેટલાય વાલીઓ ચિંતામાં મુકાયા છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે એક ખાસ યોજના આશીર્વાદરૂપ બનશે અને આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના લીધે તેનો આગળનો અભ્યાસ અટકશે નહીં.