અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી. દેશની એકતા અને અખંડિતતા તથા સુરક્ષા માટે સમર્પિત રહેવાના સામૂહિક શપથ લેવડાવ્યા હતા.સરદાર વલ્લભ ભાઈ પટેલના એક અને અખંડ ભારતના સંકલ્પમાં અમદાવાદના નગરજનો એકતા માટેની દોડ રન ફોર યુનિટીથી સહભાગી થયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એક ભારત શ્રેષ્ઠ ભારત, દોડશે અમદાવાદ, જોડાશે ભારત થીમ પર રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, બે દિવસ બાદ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે, ત્યારે આ વીરપુરુષને ભાવાંજલિ આપવા આજે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન’ને સાકાર કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આ રન ફોર યુનિટી અખંડિતતાનું એક પ્રતીક છે. એટલુ જ નહીં, આ દોડ સૌને એકતાના તાંતણે બાંધે પણ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટીને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવી હતી. આ દોડ કુલ 3 કિલોમીટર અંતરની રહી હતી, જેમાં અંદાજિત 2500થી વધુ લોકો જોડાયા હતા.