અમદાવાદઃ કચ્છમાં ગુજરાત ટૂરિઝમ દ્વારા દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છમાં રણોત્સવનો 11 નવેમ્બરથી પ્રારંભ થશે. જેની પૂર્ણાહુતિ 15મી માર્ચ 2025ના રોજ થશે. રણોત્સવનું મુખ્ય આકર્ષણ ટેન્ટસિટી છે. સફેદ રણમાં વિવિધ રહેઠાણનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ટેન્ટ સિટી કહેવામાં આવે છે. જેમાં અલગ અલગ પ્રકારના ટેન્ટ રાખવામાં આવે છે. પ્રવાસીઓ માટે ડિલક્ષ હોટેલ જેવી સુવિધાથી સજ્જ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ વર્ષે રણ ઉત્સવ ટેન્ટના ભાવમાં રૂપિયા 500 થી 1000 નો વધારાનો અંદાજ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે સફેદ રણમાં ‘રણ ઉત્સવ’ નામથી ઉત્સવ ઉજવાય છે. જેમાં કચ્છની કલા અને સંસ્કૃતિને જોવા માણવા માત્ર ગુજરાત જ નહીં દેશ અને વિદેશમાંથી દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છ આવે છે. દેશ-વિદેશના પ્રવાસીઓ કચ્છના મીઠાના રણનું અદભુત કુદરતી સૌંદર્ય, ટેન્ટ સિટીમાં રહેવાની મજા, લોકસંસ્કૃતિ, પરંપરાગત ભોજનનો આનંદ માણે છે.
રણોત્સવનું મુખ્ય આકર્ષણ ટેન્ટ સિટીમાં ટેન્ટની શરૂઆત નોન-એસી સ્વિસ કોટેજથી થાય છે. જેનો વ્યક્તિ દીઠ એક રાતનું ભાડું રૂ. 5,500 છે. આ ભાવ નવેમ્બર અને ફેબ્રુઆરી મહિના માટે છે. જેમાં દિવાળી અને ફુલ મૂન નાઈટને બાદ કરવામાં આવે છે. જ્યારે ડીલક્સ એસી સ્વિસ કોટેજનો વ્યક્તિ દીઠ એક રાત્રિના રોકાણનું ભાડું રૂપિયા સાડા સાત હજાર છે. પ્રીમિયમ ટેન્ટનું ભાડું રૂ. સાડા આઠ હજાર નક્કી કરાયું છે. નવા ઉમેરાયેલ સુપર પ્રીમિયમ ટેન્ટનું ભાડું રૂ. સાડા નવ હજાર છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ક્રિસમસ, ન્યૂ યર અને ફુલ મૂન નાઈટને બાદ કરતા વ્યક્તિ દીઠ એક રાત્રિનું ભાડું રૂ. સાત હજાર થી લઈને રૂપિયા 11 હજાર 500 સુધી નક્કી કરાયું છે.
રજવાડી સ્યુટની એક રાત્રિનું ભાડું રૂપિયા 30 હજાર છે. જેમાં બે વ્યક્તિનો સમાવેશ થાય છે. તો સાથે જ દરબારી સ્યુટની એક રાત્રિનું ભાડું રૂપિયા 55 હજાર છે. જેમાં ચાર લોકો રહી શકે છે. ગત વર્ષ કરતાં આ વર્ષે રણ ઉત્સવ ટેન્ટના ભાવમાં રૂપિયા 500 થી એક હજારનો વધારો છે. સાથે જ અત્યારથી એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂકી છે.
કચ્છના ઘોરડો ગામમાં રણ ઉત્સવ યોજવામાં આવે છે. જે ભુજ શહેરથી 80 કિમી દૂર આવેલું છે. કચ્છ જવા માટે અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મુખ્ય શહેરોથી બસ, ટ્રેન સુવિધા ઉપલબ્ધ છે. કચ્છમાં રણ ઉત્સવ ઉપરાંત ઘણા ફરવા લાયક સ્થળ આવેલા છે. જેમાં કાળો ડુંગર, ભુજીયો ડુંગર, આઈના મહેલ, પ્રાગ મહેલ, વિજય વિલાસ પેલેસ, કચ્છ મ્યુઝિયમ, હમીરસર તળાવ, માંડવીનો રમણીય દરિયા કિનારો, માતાનો મઢ, લખપતનો કિલ્લો, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે.