સોમનાથ : કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથમાં એક અનોખો યોગ રચાયો હતો. અહીં મધ્ય રાત્રિએ અદ્ભૂત વર્ષા યોગ રચાયો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતાં. ચંદ્ર દેવ તેમની સોળે કળાયે ખીલી ઉઠ્યા હોય તેમ સોમનાથ દાદા વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે અલોકીક દ્રશ્ય સર્જાય છે. સોમનાથમાં કાર્તિપૂર્ણિમા 5 દિવસ મેળો ચાલુ હોય છે. જેમાં સોમનાથ મંદિર (Somnath Temple) યાત્રિકો દર્શન માટે મંદિર રાત્રિના 11 વાગ્યા સુધી ખુલ્લું મુકવામાં આવતું હોય છે.
માનવામાં આવે છે કે, જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી હતી તે જ સ્થાન પર શ્રી સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર પોતે પધારે છે અને પોતાની પ્રભા એટલે કે પોતાની શીતળ ચાંદનીથી શ્રી સોમનાથ મંદિરનો અભિષેક કરે છે.ભક્તો આ સંયોજનને અમૃત વર્ષ યોગ કહે છે. કારણ કે ભક્તો દ્રઢપણે માને છે કે જ્યારે ચંદ્રદેવ તેમના ભગવાન સોમનાથ મહાદેવને તેમની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરવા માટે પહોંચે છે, ત્યારે આ અમૃત વર્ષાને જોનારા દરેક ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ચંદ્રદેવની જેમ ભક્તોની તમામ મનોકામનાઓ સોમનાથ મહાદેવ દ્વારા પૂર્ણ થાય છે.. અમૃત વર્ષ યોગના સાક્ષી બનવા દેશ-વિદેશમાંથી ભક્તો સોમનાથ પહોંચ્યા હતા. ભક્તોએ સોમનાથ મહાદેવને પોતાના અને પરિવારના કલ્યાણ તેમજ વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
કાર્તિકી પૂર્ણિમાના આ અદ્દભુત સંયોગને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ મંદિરે રાત્રે 11 કલાકે મહાપૂજા કરવામાં આવી હતી. તેમજ પરંપરા મુજબ રાત્રે 12 કલાકે સોમનાથ મહાદેવની મહા આરતી કરવામાં આવી હતી. શ્રી સોમનાથ મંદિર પરિસર દેશ-વિદેશના ભક્તો દ્વારા હર હર મહાદેવ, જય સોમનાથના નારાથી ગુંજી ઉઠ્યું હતું.