ભરૂચ : ભરૂચ પાસે ઝઘડિયા જીઆઇડીસીમાં રેપ કેસની પીડિત 10 વર્ષની બાળકીનું હોસ્પિટલમાં મોત થયું છે. આ બાળકી બે ઓપરેશન બાદ વડોદરા સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં મોત સામે જંગ લડી રહી હતી. ગંભીર ઇજાના પગલે બે-બે ઓપરેશન બાદ પણ બાળકીની સ્થિતિમાં સુધારો થયો ન હતો. આજે બાળકીનું હોસ્પિટલમાં મોત થયું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દિલ્હીના નિર્ભયા કાંડની જેમ જ આ હવસખોરે બાળકી પર બર્બરતાપૂર્ણ અને ક્રુરતાની તમામ હદો વટાવી દુષ્કર્મ આચર્યુ હતુ. નિર્ભયા દુષ્કર્મકાંડની જેમ જ હવસખોર હૈવાને બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખી દીધો હતો. જેના કારણે બાળકી ભયંકર હદે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈન્ટરનલ ઈન્જરી એટલી હદે હતી અને તેના કારણે સમગ્ર શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયુ હતુ. જે બાદ બાળકીને સારવાર અર્થે ખસેડાઈ હતી.
16 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી બાળકી તેની પીડા સામે ઝઝુમતી રહી. ઘટનાથી બાળકી એટલી હદે ડરી ગઈ હતી અને તેના મસ્તિષ્ક પર એટલી ખરાબ અસર થઈ હતી કે તેનામાંથી કોઈ ચિત્કાર પણ નીકળતો ન હતો. SSG હોસ્પિટલના ડોક્ટરની ટીમ સતત બાળકીની દેખરેખ રાખી રહી હતી અને સારવાર કરી હતી. 2 દિવસમાં બાળકીને 3 યુનિટ બ્લડ પણ ચડાવવામાં આવ્યુ હતુ. પરંતુ સ્થિતિ એટલી ક્રિટીકલ બની ગઈ હતી કે ગઈકાલથી જ બાળકી કોઈ રિસ્પોન્સ આપી રહી ન હતી. ઓપરેશન બાદ અને અન્ય સારવાર બાદ પણ બાળકીના શરીરમાં ઈન્ફેક્શન યથાવત રહ્યુ હતુ. SSGના 10 થી વધુ ડૉક્ટરની ટીમ બાળકીની સારવારમાં લાગેલી હતી પરંતુ સ્થિતિ અત્યંત નાજુક બનેલી હતી અને તેના બ્લડ પ્રેશરમાં પણ સતત ઉતારચડાવ આવતો હતો. અંતે બાળકીએ જિંદગી સામે જાણે હાર માની લીધી અને હોસ્પિટલના બિસ્તર પર જ છેલ્લા શ્વાસ લીધા.
આ સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો 16 ડિસેમ્બરે બાળકી સાથે બર્બરતાપૂર્ણ દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ. જે બાદ તેને ભરૂચની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જો કે સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેને વડોદરા SSG હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. બાળકીની માતાની ફરિયાદ બાદ પોલીસે 6 લોકોની ટીમ બનાવી સઘન તપાસ હાથ ધરી અને 17 ડિસેમ્બરે પોલીસે દુષ્કર્મ આચરનાર હવસખોર વિજય પાસવાનની ધરપકડ કરી. આરોપી ઝારખંડ ભાગી જવાની પેરવીમાં હતો. જો કે પોલીસે એ પહેલા જ તેને દબોચી લીધો હતો.
આરોપી ઝઘડિયાની જ થર્મેક્સ કંપની હેલ્પર તરીકે કામ કરતો હતો. તે બાળકીની બાજુમાં જ રહેતો હતો અને બાળકીના માતાપિતાને પણ ઓળખતો હતો. બાળકીના માતાપિતા પણ ઝારખંડથી જ ગુજરાત આવેલા હતા. શ્રમિક પરિવારની આ બાળકી પર આ નરાધમે આ બીજીવાર દુષ્કર્મ આચર્યુ હતુ. જો કે પહેલીવાર તો તેના માતાપિતાએ આબરુ જવાના ડરથી કોઈ ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે જ આ નરાધમની હિંમત વધી ગઈ અને બાળકીને બીજીવાર હવસની શિકાર બનાવી. ન માત્ર તેની પર દુષ્કર્મ આચર્યુ પરંતુ બર્બરતાની તમામ હદો પાર કરી દીધી.