અમદાવાદ : નવા વર્ષને આવકારવા માટે વિશ્વભરમાં લોકો ઉત્સાહિત હતા અને બધા ઉજવણી પણ કરી હતી અને 2025નું ઉલ્લાસભેર સ્વાગત કર્યું હતું. અમદાવાદમાં પણ નવા વર્ષની ઉજવણી જોવા મળી હતી અને ઠેર-ઠેર જનમેદની રોડ ઉપર એન્જોય કરવા માટે ઉમટી પડી હતી. કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે અમદાવાદને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું. પોલીસે મોડીરાતે ઠેર-ઠેર કોમ્બિંગ કરીને 242 દારૂડિયાઓને ઝડપી લીધા હતા જેમાં કેટલીક યુવતીઓ પણ સામેલ હતી. ચોંકાવનારી વાત એ છે કે, પશ્ચિમ વિસ્તારમાં દારૂ પીધેલા, દારૂ પીને ગાડી ચલાવતાના કેસો સૌથી વધુ નોંધાયા છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં દારૂ પીવાના ઓછા કેસ નોંધાયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ વિવિધ વિસ્તારોમાં મોડીરાતે ઠેર-ઠેર કોમ્બિંગ દારૂડિયા તેમજ નશેડીઓને રોકવા માટે મેદાનમાં ઉતરી હતી અને ઠેર-ઠેર ચેકિંગ હાથ ધર્યુ હતું. વર્ષનો છેલ્લો દિવસ હોવાથી યંગસ્ટર દારૂ તેમજ ડ્રગ્સની મોજ કરવા માટે નીકળ્યા હતા. જેમને રોકવા માટે પોલીસ રાતે 8 વાગ્યાથી મેદાનમાં ઉતરી ગઇ હતી. પોલીસે ઠેર-ઠેર બંદોબસ્ત ગોઠવી દીધો હતો જેના કારણે યંગસ્ટરને પકડાઇ જવાનો ડર હતો. મોડીરાતે પોલીસે ચેકિંગ દરમિયાન કુલ 242 દારૂડિયાઓને ઝડપી લીધા હતા અને લોકઅપ ભેગા કર્યા હતા.
2024ને વિદાય આપવા અને નવા વર્ષને વધાવવા લોકો રસ્તા પર ઉમટી આવ્યા હતા. 16 સ્થળે ડાન્સ પાર્ટીનું આયોજન થયું હતું. આ ઉપરાંત કેટલાક ક્લબ અને પાર્ટી પ્લોટમાં પણ નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમો થયા હતા. શહેરની સંખ્યાબંધ સોસાયટીમાં લોકો ડીજેના તાલે ઝૂમ્યા હતા. સીજી રોડ પર ભારે ભીડ જોવા મળી હતી. જો કે, સિંધુભવન રોડ પર જાજરમાન ચારરસ્તાથી તાજ સુધી દોઢ કિલોમીટરનો રોડ પોલીસે બંધ કરી દેતા ગત વર્ષની સરખામણીએ ઘણી ઓછી ભીડ જોવા મળી હતી. સાંજથી જ પોલીસ સીજી રોડ અને સીજી રોડ પર ગોઠવાઈ ગઈ હતી. તેમજ કડક ચેકિંગ હાથ ધર્યું હતું.
અમદાવાદ પોલીસે કાર કે ટુવ્હિલર લઇને પસાર થતા લોકોને બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કર્યું હતું. પોલીસે ચેકિંગ દરમિયાન 242 દારૂડિયા ઝડપી પાડ્યા હતા. જેમાં કેટલાક દારૂડિયા દારૂ ઢીંચીને વાહન ચલાવતા હતા. પોલીસે તમામ દારૂડિયાઓની ધરપકડ કરીને લોકઅપમાં પુરી દીધા હતા. 242 દારૂડિયાઓ પૈકી કેટલી યુવતીઓ પણ દારૂ પીધેલી હાલતમાં ઝડપાઇ હતી. જેમને પોલીસે નોટિસ આપીને જવા દીધી હતી.જયારે ચેકિંગના ડરથી યંગસ્ટરોએ પહેલેથી બહાર નીકળવાનું ટાળ્યું હતું અને પહેલેથી ઘરમાં કે ફાર્મહાઉસ પર પાર્ટીનું આયોજન કર્યું હતું. શહેરને મોડી રાતે પોલીસ છાવણીમાં ફેરવાયું હતું અને લોકોનું ચેકિંગ શરૂ કર્યુ હતું.
શહેરના પાંચ પોલીસ સ્ટેશન એવા છે કે જ્યાં એક પણ દારૂ પીધેલાનો કે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ નોંધાયો નથી. પશ્ચિમ વિસ્તારમાં આવતા નવરંગપુરા અને રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં દારૂના કેસ નોંધાયા નથી જ્યારે પૂર્વ વિસ્તારમાં આવેલા મણીનગર, ઓઢવ અને વટવા પોલીસ સ્ટેશનમાં પણ એકપણ દારૂ પીધેલાનો કેસ નોંધાયો નથી. સેક્ટર 1માં આવતા પોલીસ સ્ટેશનમાં 151 કેસ નોંધાયા છે જ્યારે સેક્ટર 2માં આવતા પોલીસ સ્ટેશનમાં 91 કેસ નોંધાયા છે.
શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઓ તરફથી મળેલા આંકડા મુજબ ગઇકાલે ચાંદખેડા અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ દારૂડિયાઓ ઝડપી લેવાયા છે. ચાંદખેડામાં 32 અને વેજલપુરમાં 23 દારૂ ઢીંચેલા ઝડપાયા છે. જ્યારે નરોડા પોલીસે પણ મોડીરાતે 14 દારૂડિયાઓને પકડ્યા છે.