ગાંધીનગર : તાજેતરમાં સુરતમાં 8માં ધોરણમાં ભણતી 14 વર્ષની દીકરી પાસેથી તેની માતાએ મોબાઇલ લઇ લીધો હતો. જેથી તેને લાગી આવતાં આપઘાત કર્યો હતો. 14 વર્ષીય દીકરીના આ પગલાથી તેના માતા-પિતા પણ ચોંકી ગયા હતા. ઉપરાંત જે લોકોએ મોબાઇલને લઇ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાની ઘટના સાંભળી તેઓ પણ દંગ રહી ગયા હતા. બાળકોમાં સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી થતી પ્રતિકૂળ અસરોને લઈને રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરકારમાં રાજ્યકક્ષા શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આજે એક મિટિંગ બોલાવી હતી. શિક્ષણ મંત્રીએ મીટીંગમાં આજે શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો, અને સાયકાટ્રીસ્ટ ડૉક્ટર ને સાથે રાખીને બાળકોમાં સોશ્યિલ મીડિયા ના ઉપયોગને લઈને થતા નુકસાન અંગે ચર્ચા કરી હતી. અને બાળકોને સોશ્યિલ મીડિયા થી બાળકોને કેવી રીતના દૂર રાખી શકાય તેની અંગે ચર્ચા થઈ હતી. ત્યારે આ મિટિંગ પછી પ્રફુલ પાનશેરીયાએ નિવેદન આપતા કહ્યું કે, સરકાર થોડા સમયમાં પરીપત્ર જાહેર કરશે કે, બાળકોને શાળા માં શિક્ષણ દરમિયાન ક્લાસ રૂમમાં મોબાઈલ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. બાળકો મોબાઈલ નો ઉપયોગ ઓછો કરી રમત-ગમત ની પ્રવુતિમાં વધારે ધ્યાન આપે તેવો સરકાર પ્રયત્ન કરશે.
કોરોનાના સમયમાં ઓનલાઇન શિક્ષણ માટે બાળકોને મોબાઈલ આપવામાં આવ્યા હતા. પણ હવે બાળકો શિક્ષણ કરતા સોશ્યિલ મીડિયા વાપરવા માટે મોબાઈલ નો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં બાળકોના સોશ્યિલ મીડિયાના ઉપયોગને લઈને ઘણા દુષ્પરિણામો સામે આવ્યા છે. સોશ્યિલ મીડિયાનું વળગણ બાળકો માટે હવે નુકસાન કારક બની રહ્યું છે. બાળકોમાં હવે સોશ્યિલ મીડિયાનો ઉપયોગ ખુબ જ વધી રહ્યો છે. ત્યારે થોડાક દિવસ પહેલા અરવલ્લી માંથી એક ઘટના સામે આવી હતી. એક પાંચમા ધોરણમાં ભણતી બાળકી ઘર છોડીને પોતાના સગીર પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારે માતા-પિતા હવે સરકાર પાસે સોશ્યિલ મીડિયાના ઉપયોગને લઈને બાળકો માટે નવા નિયમો બનાવે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર પણ બાળકોના સોશ્યિલ મીડિયાના ઉપયોગ ને લઈને નવા નિયમો બનાવવા હવે આગળ આવી છે.