અમદાવાદ : આજકાલ શહેરમાં નાની મોટી સોસાયટીઓનું રિડેવલપમેન્ટ ખૂબ જ ચર્ચામાં છે. ઘણી વર્ષો જૂની સોસાયટી તૂટીને નવી બની રહી છે. અને આ જૂની સોસાયટીમાં રહેતા લોકોને નવું મકાન મળે છે. જૂના ફ્લેટ તૂટીને નવા બને ત્યાં સુધી બીજે ભાડે રહેવા જવાનું થાય, એનું ભાડું પણ બિલ્ડર આપતા હોય છે. જાે કે, આ બધી જ પ્રોસેસ કાયદાકીય રીતે થતી હોવા છતાંય ઘણા પ્રશ્નો સર્જાય છે. કેટલીકવાર સોસાયટીમાં એક બે વ્યક્તિ ન માને તો મેટર કોર્ટમાં જાય છે, અને બીજા બધાનું કામ બગડે છે. કેટલીકવાર બિલ્ડર ફ્લેટ ધારકોને છેતરી જાય છે, તો કેટલીકવાર પોતાનું ઘર તૂટી જાય પછી નવું બનતું જ નથી, આવા અનેક કિસ્સાઓ છે.
અમે અત્યાર સુધી હાઉસિંહ રિડેવલપમેન્ટ વિશે વાત કરી પરંતુ અત્યારે શહેરમાં અનેક વિસ્તારોમાં ખાનગી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને આજે વાત કરીશું ખાનગી સોસાયટીમાં રિડેવલપમેન્ટ વિશે,
શહેરમાં ખાસ કરીને પશ્ચિમના નવરંગપુરા, નારણપુરા, સોલા, નવા વાડજ, નિર્ણયનગર વિસ્તારોમાં અનેક સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની વાટાઘાટો ચાલી રહી છે, કેટલીક સોસાયટીના રહીશોમાં જાણકારીના અભાવે સોસાયટીના અગ્રણીઓ, એસોસિયેશનમાં હોદ્દેદારો બિલ્ડરોની સાંઠગાંઠને કારણે રહીશો સુધી પુરતી માહિતી પહોંચાડતા નથી, છેવટે બિલ્ડરો અને સોસાયટીના હોદ્દેદારોના વાંકે રહીશોને વેઠવાનું આવે છે, ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ જાેવા મળ્યા છે.
એક ચર્ચા મુજબ, પશ્ચિમના વિસ્તારોમાં રિડેવલપમેન્ટના નામે ઠગ ટોળકી સક્રિય થઈ હોવાનું જાણવા મળ્યું છે, પશ્ચિમની એક સોસાયટીમાં તો બિલ્ડર દ્વારા રહીશોને શું શું આપવાના છે, કઈ રીતે આપવાના છે, ખાનગી સોસાયટીમાં બિલ્ડર અને રહીશ વચ્ચે થતા વન ટુ વન ડેવલમેન્ટ કરાર વગર સીધા ખાલી કરવાના સ્ટેજ સુધી પહોંચી ગયા છે, આવી જ ઠગ ટોળકી દ્વારા ભૂતકાળમાં અનેક સોસાયટીમાં રિડેવલપમેન્ટના નામે સોસાયટીના નાકે બોર્ડ ચઢાવી લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી ન કરાતા રહીશોને જર્જરિત મકાનોમાં રહેવાનો વારો આવ્યો છે.
અન્ય એક ચર્ચા મુજબ, એક બિલ્ડરે સોસાયટી ખાલી કરાવીને થોડાક સમય સુધી ભાડુ આપીને બાદમાં ભાડુ બંધ કરી દેતા અને કામકાજ બંધ કરી દેતા રહીશો સલવાયા છે.અન્ય એકાદ બે કિસ્સામાં રિડેવલપમેન્ટની સમગ્ર કામગીરી કોઈ એક કંપની દ્વારા કરાઈને સમગ્ર પ્રોજેકટ બીજાને પધરાઈ દેવમાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે.
પરંતુ, જાે તમારે પણ આવી ઘટનાઓથી બચવું હોય, તો કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી છે. રિડેવલપમેન્ટના જાણકાર અને એકસપર્ટના મત મુજબ, સોસાયટી રિડેવલપમેન્ટમાં જાય ત્યારે શું ધ્યાન રાખવું.
જ્યારે કોઈ પણ ખાનગી સોસાયટી રિડેવલપમેન્ટમાં જાય, ત્યારે ફ્લેટધારકોએ બેઝિક માહિતી મેળવી લેવી જરૂરી છે. સૌથી પહેલા તો તમારી પાસે જે બિલ્ડર આવે છે, તે બિલ્ડરની ક્રેડિબિલિટી ચેક કરવી જરૂરી છે. બિલ્ડરના જૂના પ્રોજેક્ટ વિશે માહિતી મેળવી લેવી જાેઈએ. સાથે જ સોસાયટી ઈચ્છે તો બિલ્ડર પાસેથી નિશ્ચિત રકમની બેન્ક ગેરેન્ટી પણ લઈ શકે છે. જાે કે, તેના માટે બિલ્ડર પણ તૈયાર થવા જરૂરી છે. તો સોસાયટીના સભ્યોએ બિલ્ડરનું ટર્ન ઓવર પણ ચેક કરવું જાેઈએ. જેથી જાણી શકાય કે બિલ્ડર તમારી સોસાયટીનો પ્રોજેક્ટ પૂર્ણ કરવાની કેપેસિટી ધરાવે છે કે નહીં.
આ ઉપરાંત સોસાયટીએ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે લીગલ કન્સલ્ટનટ તેમજ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટ રાખવા જાેઈએ. આ લીગલ કન્સલટન્ટ તમને ડ્યુ ડિલિજન્સ કરાવવામાં અને ટાઈટલ ક્લિયર જેવા ઈસ્યુ સોલ્વ કરવામાં મદદ કરે છે. વળી સોસાયટી અને બિલ્ડર વચ્ચેના કોન્ટ્રાક્ટમાં જાે કોઈ શરતો માત્ર બિલ્ડરને લાભ અને સોસાયટીને નુક્સાન કરાવતી હોય, તો તે પણ દૂર કરવામાં મદદ કરે છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટ પણ તમને બિલ્ડર સાથે ડીલ કરવામાં તમારા હિત સાચવવામાં મદદ કરે છે.