ગાંધીનગર : એક તરફ લોકો પર આર્થિક ભારણ વધી રહ્યું છે. મોંઘવારી દબાતા પગલે આવીને કઈ કઈ વસ્તુઓના ભાવ વધારી જાય છે તે લોકોને ખબર પડતી નથી. ગુજરાતમાં હવે જન્મ-મરણનો દાખલો કઢાવવો મોંઘો પડશે. કારણ કે, સરકારે જન્મ અને મરણની નોંધણી ફીમાં 10 ટકાનો ધરખમ વધારો લાગુ કર્યો છે. 27 ફેબ્રુઆરીથી નવો ભાવવધારો લાગુ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત સરકારે રાજ્યમાં જન્મ અને મરણની નોંધણી ફીમાં ધરખમ વધારો કર્યો છે. આ નવા નિયમો 27મી ફેબ્રુઆરીથી અમલમાં આવી ગયા છે, જેના કારણે નાગરિકોને આ સેવાઓ માટે હવે વધુ ખર્ચ કરવો પડશે. સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકો પર સીધી અસર પડશે.નવા નિયમો અનુસાર, મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટેની ફી અગાઉના માત્ર રૂ. 5 થી વધારીને સીધી રૂ. 20 કરવામાં આવી છે. આ જ રીતે, જન્મના દાખલા માટે પણ ફીમાં વધારો કરવામાં આવ્યો છે, જે પહેલા રૂ. 10 હતી તે હવે રૂ. 50 ચૂકવવી પડશે. આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.
ફી વધારાની સાથે, સરકારે મોડી નોંધણીના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. જો કોઈ વ્યક્તિ જન્મ કે મરણની ઘટનાની નોંધણી 30 દિવસની સમય મર્યાદા પછી કરાવે છે, તો તેને હવે વધુ લેટ ફી ભરવી પડશે. અગાઉ આ લેટ ફી માત્ર રૂ. 10 હતી, જે વધારીને રૂ. 50 કરવામાં આવી છે. એટલું જ નહીં, જો નોંધણી એક વર્ષથી પણ વધુ મોડી થાય તો રૂ. 100 ની ફી ભરવાની રહેશે, અને આવા કિસ્સામાં જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મેળવવી પણ ફરજિયાત રહેશે. આ નિયમોનો હેતુ સમયસર જન્મ અને મરણની નોંધણીને પ્રોત્સાહન આપવાનો છે.
વધુમાં, સરકારે પ્રમાણપત્રોના સ્વરૂપમાં પણ ફેરફાર કર્યો છે. હવેથી પ્રમાણપત્રો ઇલેક્ટ્રોનિક અથવા અન્ય સ્વરૂપમાં આપવામાં આવશે, અને અગાઉ વપરાતો ‘નકલ’ શબ્દ હવે ‘પ્રમાણપત્ર’ તરીકે ઓળખાશે. આ ફેરફાર પ્રમાણપત્રોને વધુ અધિકૃત અને આધુનિક બનાવવાનો પ્રયાસ છે.
સરકારે આ નવા નિયમોમાં ખોટી માહિતી આપવા બદલ દંડની જોગવાઈ પણ કરી છે. જો કોઈ વ્યક્તિ જન્મ કે મરણની નોંધણી દરમિયાન ખોટી માહિતી આપે છે, તો તેને રૂ. 50 થી લઈને રૂ. 1000 સુધીનો દંડ થઈ શકે છે. આ કડક જોગવાઈનો હેતુ ખોટી માહિતી આપવાના કિસ્સાઓને અટકાવવાનો અને નોંધણી પ્રક્રિયાને વધુ વિશ્વસનીય બનાવવાનો છે.
જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર અને 15 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ઓફલાઈન અરજી: જે લોકો પોતાના જન્મ પ્રમાણપત્રમાં કોઈ ફેરફાર કરવા માંગે છે અથવા જેમની ઉંમર 15 વર્ષથી વધુ છે, તેઓએ નજીકના મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ અથવા સંબંધિત ઓફિસમાં જઈને ઓફલાઈન અરજી કરવાની રહેશે. ઓફલાઈન અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો પણ જમા કરાવવાના રહેશે. અરજી કર્યા બાદ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને ત્યાર પછી જન્મ પ્રમાણપત્ર આપવામાં આવશે.
નવા જન્મ પ્રમાણપત્ર માટે ઓનલાઈન અરજી: જે લોકોએ હજી સુધી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી, તેઓ ભારત સરકારની અધિકૃત વેબસાઈટ https://dc.crsorgi.gov.in/crs/ પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને પોતાની અરજી સબમિટ કરી શકે છે.


