અમદાવાદ: ઉનાળો શરૂ થઈ ગયો છે. આ સાથે જ, દર વર્ષની જેમ ઉનાળો આકરો બની રહેવાનો છે.જો કે અમદાવાદ મહાનગરપાલિકા (AMC)એ આ વખતે થોડી વહેલી જાગી છે અને હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.AMTS-BRTS બસ સ્ટેન્ડ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. વિવિધ સંસ્થાઓ સાથે મળી અને અલગ અલગ વિસ્તારોમાં પીવાના પાણીની પરબો પણ ઉભી કરવામાં આવનાર છે. બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. ગરમીમાં રેડ એલર્ટ હોય ત્યારે બપોરે 12થી 4 કન્સ્ટ્રક્શન સાઈટો બંધ રાખવા માટેની પણ સૂચના આપવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગરમી સામે AMC એ એક્શન પ્લાન બનાવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં દરેક ગાર્ડનમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. બપોરે અને રાત્રે 11 વાગ્યા સુધી પણ ગાર્ડન ખુલ્લા રાખવામાં આવશે. શહેરમાં આવેલી 700થી વધુ કન્સ્ટ્રકશન સાઈટો પર એસ્ટેટ વિભાગ દ્વારા સંકલન કરીને લેબર કોલોનીમાં શેડ અને PPP ધોરણે પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. વિવિધ સ્થળો પર એનજીઓ સાથે મળીને જાહેર સ્થળો પર પીવાના પાણીની પરબો મૂકવામાં આવનાર છે.
AMC મુજબ, ઉનાળાની સીઝન દરમિયાન બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી વગર કારણોસર બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહાર નીકળવાનું થાય તો સાથે સાદુ પાણી, ઠંડુ પાણી, લીંબુ પાણી વગેરે રાખવું જોઈએ. કોઇપણ નાગરિકો નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ORSના પેકેટ પણ મેળવી શકે છે. દર કલાકે કલાકે પાણી પીતા રહેવું જોઈએ.
હીટ એકશન પ્લાન અંર્તગત કરવામાં આવતી કામગીરી
હવામાન વિભાગ સાથે સંકલન કરી દૈનિક ધોરણે આવનાર પાંચ દિવસ અંગેનું પુર્વાનુમાન મેળવવામાં આવે છે અને તે અંગે પ્રિન્ટ/ઇલેકટ્રોનિક તેમજ સોશિયલ મીડિયા મારફતે લોકોને માહીતગાર કરવામાં આવશે.
તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ઓ.આર.એસ. સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. તેમજ આંગણવાડી સેન્ટર પર ઓ.આર.એસ. ઉપલબ્ધ છે.
જુદી જુદી સામાજીક સંસ્થાના સહયોગથી 500થી વધુ પાણીની પરબો શરુ કરવામાં આવશે.
બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
AMTS-BRTS ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
સમગ્ર ઉનાળાની ઋતુમાં ઓ.આર.એસ. પેકેટસનું વિતરણ કરવામાં આવશે.
ટ્રાફિક પોલીસ વિભાગને ઓ.આર.એસ. પેકેટસ પુરા પાડવામાં આવશે.
મહત્વના ટ્રાફિક સિગ્નલો બપોરે 12થી સાંજે 5 બંધ રહેશે.
AMC સંચાલીત જનરલ હોસ્પિટલ તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ગરમીને લગતી બિમારી તેમજ હીટ સ્ટ્રોકના કેસોને પહોંચી વળવા અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
શહેરના તમામ બગીચાઓ રાત્રિના 11 કલાક સુધી ખુલ્લા રહેશે.
રેડ એલર્ટ દરમિયાન
એસ્ટેટ વિભાગ મારફતે શહેરમાં ચાલતી તમામ કન્સ્ટ્રકશન સાઇટ બપોરે 12થી 4 કલાક દરમિયાન બંધ રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. કોર્પોરેશન હસ્તકની ઓન ફિલ્ડ સાઇટમાં પણ આ તકેદારી રાખવામાં આવશે.